આજથી AAP ફૂંકશે ચૂંટણીનું બ્યૂગલ, કેજરીવાલ-માનની જોડી 3 દિવસમાં સાધશે 182 સીટો

ગુરુવાર, 27 ઑક્ટોબર 2022 (12:21 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે. હવે વોટ બેંક એકઠી કરવાની કવાયત શરૂ થઈ ગઈ છે. આ કડીમાં આમ આદમી પાર્ટી (AAP) ગુરુવારે એટલે કે આજથી ફરી પ્રચાર શરૂ કરશે. આગામી દિવસોમાં રાજ્યભરની રેલીઓમાં અનેક રાષ્ટ્રીય અને સ્થાનિક નેતાઓ ભાગ લે તેવી આશા છે. જો AAP નેતાઓનું માનીએ તો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 28 ઓક્ટોબરથી ત્રણ દિવસમાં છ જાહેર કાર્યક્રમોમાં ભાગ લેશે.
 
મીડિયા અહેવાલો અનુસાર, AAP પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અને પાર્ટીના નેતા ઇસુદાન ગઢવી રાજ્યના વિવિધ ભાગોમાં રેલીઓ યોજશે, જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ પ્રદેશોને અલગથી આવરી લેવામાં આવશે. AAP ગુજરાતના જનરલ સેક્રેટરી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે ઇસુદાન ગઢવી 27 ઓક્ટોબરથી સૌરાષ્ટ્રમાં રેલી કરશે અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના વિવિધ ભાગોની મુલાકાત લેશે. તેવી જ રીતે ગોપાલ ઇટાલિયા મધ્ય ગુજરાતમાંથી રેલી કાઢીને દક્ષિણ ગુજરાતને આવરી લેશે.
 
રેલીઓમાં તમામ 182 વિધાનસભા બેઠકોને આવરી લેવામાં આવશે. AAP ગુજરાતના જનરલ સેક્રેટરી મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે અમને જાણવા મળ્યું છે કે ઘણા લોકો 'આપ'માં જોડાવા માંગતા હતા અને તેમની માંગ હતી કે તેઓ ઈચ્છે છે કે અમારા નેતાઓ તેમના ગામો સુધી પહોંચે. આ રેલીઓ દરમિયાન ઘણા લોકો AAPમાં જોડાશે અને ડોર ટુ ડોર પ્રચાર પણ કરવામાં આવશે. 
 
તેમણે વધુમાં જણાવ્યું કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવશે અને રેલીઓ, જાહેર સભાઓ અને રોડ શો કરશે. 28મી ઓક્ટોબરે બંને નેતાઓ સવારે પંચમહાલ જિલ્લાની મોરવા વિધાનસભા બેઠક પર જાહેર સભાને સંબોધશે. બપોર બાદ તેઓ બનાસકાંઠાની કાંકરેજ બેઠક પર બીજી જાહેરસભાને સંબોધશે.
 
બીજા દિવસે તેઓ સવારે નવસારી જિલ્લાની ચીખલી બેઠક પર અને બાદમાં બપોરે ભરૂચ જિલ્લાના દેડિયાપાડા ખાતે જનમેદનીને સંબોધશે. તેમણે કહ્યું કે 30 ઓક્ટોબરે કેજરીવાલ અને માન ભાવનગર તાલુકાની ગારિયાધાર બેઠક પર અને બપોરે રાજકોટ જિલ્લાની ધોરાજી બેઠક પર જનમેદનીને સંબોધશે. ગુજરાત ચૂંટણીમાં AAP શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસને સખત ટક્કર આપે તેવી અપેક્ષા છે, જેનું શેડ્યૂલ હજુ જાહેર થયું નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર