ડીસામાં આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની સભા પહેલાં પોસ્ટર ફાડીને સળગાવી દેતાં AAPના કાર્યકરોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. મોડી રાત્રે પોસ્ટરો સળગાવતાં આપના કાર્યકર્તાઓએ ઘટનાસ્થળે પહોંચી ધરણાં પર બેસી આક્રોશ ઠાલવ્યો હતો. ત્યારે 'આપ'ના ઉમેદવાર રમેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે 'હવે ભાજપ જો આવી હરકત કરશે તો ઈંટનો જવાબ પથ્થરથી આપવાની ખાતરી આપું છું.
આમ આદમીના કાર્યકર્તા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલાને શાંત પાડ્યો હતો.ડીસામાં આજે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની જાહેર સભા યોજાવાની છે. એ પૂર્વે જ મોડી રાત્રે શહેરના માર્ગ ઉપર લગાવેલાં અરવિંદ કેજરીવાલનાં પોસ્ટરો ફાડીને સળગાવી દેવાયાં હતાં. મોડી રાત્રે બનેલી આ ઘટનાની જાણ થતાં AAPના ઉમેદવાર ડો. રમેશ પટેલ અને ભેમાભાઈ ચૌધરી સહિત કાર્યકર્તાઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ બનાવ અંગે જાણ કરતાં ડીસા ઉત્તર પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે આ પોસ્ટરો ભાજપના કાર્યકર્તાઓએ ફાડ્યા છે. ભાજપના લોકો દ્વારા પોસ્ટરો ફાડીને સળગાવી દેવાતાં AAPના કાર્યકરોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. આ અંગે ડોક્ટર રમેશ પટેલે જણાવ્યું હતું કે રાત્રે 2:00 વાગે ઊઠીને ભાજપના કાર્યકરોએ પોસ્ટર ફાડી દેવા પડે એ તેમની 27 વર્ષના શાસનની નિષ્ફળતા છે. ભાજપે આવી હરકત કરતાં શરમ આવવી જોઈએ અને હવે જો ભાજપ દ્વારા આવી હરકત કરવામાં આવશે તો અમે ઇંટનો જવાબ પથ્થરથી આપીશું એની ખાતરી આપું છું. છેલ્લે એ પણ વિનંતી કરું છું કે ભાજપ પાસે બીજાં કોઈ કામ બચ્યાં નથી એટલે તેમના આકાઓના લેંઘા-ઝભ્ભા ધોવાના હોય એ ધોઈ નાખો, કારણ કે 2 મહિના પછી આમ આદમી પાર્ટીની સરકાર બનવાની છે.