આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. ગઈકાલે છૂટકારો થતા ગોપાલ ઈટાલીયા આજે સીધા ખોડલધામ મા ખોડલના દર્શન કરવા માટે રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ગોપાલ ઈટાલીયાને આવકારવા માટે આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકરો નેતાઓ ઉમટી પડ્યા હતા. એરપોર્ટ ખાતે પાર્ટીના કાર્યકરોએ ભારત માતા કી જય, ઇન્કલાબ જિંદાબાદના નારા લગાવ્યા હતા.
તેમજ ગોપાલભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈના પણ નારા લાગ્યા હતા. ઈટાલીયાએ રાજકોટ એરપોર્ટ જણાવ્યું હતું કે, સ્મૃતિ ઇરાની મારા જૂના વીડિયો પોસ્ટ કરે છે, તે ગેસના બાટલા માથે લઈ નાચતા હતા તે વીડિયો પણ તેણે પોસ્ટ કરવા જોઈએ.ગોપાલ ઈટાલીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત બની રહી છે. ભાજપ પાટીદાર સમાજ સાથે અન્યાય કરી રહ્યો છે. ભાજપ જૂના વીડિયો વાઇરલ કરી મત માગવા નીકળ્યો છે. NCWમાં હું જવાબ રજૂ કરવા ગયો ત્યારે મેડમે મારી સાથે ખરાબ વર્તન કર્યું હતું. કેન્દ્રીય મંત્રીઓ પણ ગોપાલ ઈટાલીયાના નામની માળા ફેરવી રહ્યા છે. મારે પાટીદાર આગેવાનો સાથે પણ વાત થઈ. તેઓએ પણ કહ્યું કે, આવું ન થવું જોઈએ. ભૂતકાળમાં ભાજપના નેતાઓએ પણ કોઈને ગાળો ભાંડવામાં બાકી રાખ્યું નથી. પૂર્વ પ્રધાનમંત્રી અને કોંગ્રેસના મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ સામે પણ મુખ્યમંત્રીપદેથી ગાળો ભાંડી છે.ગોપાલ ઈટાલીયાનું રાજકોટ એરપોર્ટ પર આપના નેતાઓ અને કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં તેઓ સીધા ખોડલધામ દર્શન માટે કાર મારફત રવાના થયા હતા. ગોપાલ ઈટાલીયાની ધરપકડ બાદ રાજકીય માહોલ ગરમાયો છે. ગોપાલ ઈટાલીયા સાથે ગુજરાત આપના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા, ઈન્દ્રનીલ રાજ્યગુરૂ સહિતના નેતાઓ પણ ખોડલધામ જવા માટે જોડાયા છે.