ગુજરાતમાં વાવાઝોડાથી 45 લોકોનાં મોત, 80 હજાર વીજપોલ ધરાશાયી

બુધવાર, 19 મે 2021 (18:39 IST)
વિનાશક 'તાઉ-તે' વાવાઝોડાએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાયા બાદ અનેક જગ્યાઓએ વિનાશ વેર્યો છે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં 8 કલાકની અંદર 5 ઈંચ જેટલો વરસાદ ખાવક્યો છે. ઉપરાંત ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થવાની સ્થિતિમાં રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા છે. રાજ્યમાં ભાવનગર, વલસાડ, સુરત, અમરેલી, ભરૂચ, આણંદ, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. એ ઉપરાંત રાજ્યનાં ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં જ ત્રણ હજાર કરતાં વધુ વૃક્ષો ધરાશાયી થયાં છે. એ ઉપરાંત કુલ 45 લોકોનાં મોત થયાં છે.

રાજ્યમાં 80 હજારથી વધુ વીજપોલ ધરાશાયી થયાં છે, જ્યારે 9 હજાર ગામોને અસર પહોંચી.વાવાઝોડાની અસર અમદાવાદ શહેરમાં પણ જોરદાર થઈ હતી. 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, જેને લઈ અમદાવાદ શહેરમાં મોટું નુકસાન થયું છે. શહેરમાં 7 ઝોનમાં 1886 જેટલાં ઝાડ પડવાના બનાવો બન્યા છે. 648 જેટલાં હોર્ડિંગ અને બેનર્સ પડવાના બનાવો બન્યા છે. 71 જેટલાં કાચાં-પાકાં મકાનોને નુકસાન થયું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય કંટ્રોલરૂમમાં, ફાયરબ્રિગેડ કંટ્રોલરૂમમાં અને બગીચા ખાતા એમ વિવિધ કંટ્રોલરૂમમાં મેસેજ મળ્યા હતા.સુરત શહેરમાં છેલ્લા બે દિવસમાં 600થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા.વાવાઝોડાની સૌથી વધુ અસર શહેરના વીજ પુરવઠા પર પડી હતી. જેમાં વીજકંપનીના 700 ફીડર, 900 જેટલાં ઇલેક્ટ્રિક પોલ અ્ને 10 ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચવાથી શહેરના વરાછા,કાપોદ્રા, ઉત્રાણ, છાપરાભાઠા, પાંડેસરા,ઉધના અને જહાંગીરપુરા સહિતના 15થી વધુ વિસ્તારોમાં કલાકો સુધી વીજ પુરવઠો બંધ રહ્યો હતો. વીજ પુરવઠો બંધ રહેવાના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.ભાવનગર શહેર અને જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાની ભયંકર અસર જોવા મળી હતી. ગઈકાલ રાતથી બીજા દિવસે આજે 16 કલાક સુધી ભારે પવને તારાજી સર્જી છે તો જિલ્લામાં પિતા-પુત્રીના મૃત્યુનો બનાવ બન્યો છે અને એક બનાવ ગારીયાધારમાં વૃદ્ધનું મોત થયું છે. જ્યારે શહેરમાં પણ એક મોત નીપજ્યું છે. શહેર અને જિલ્લામાં વિજળી ગઈકાલથી ગુલ છે અને લોકો વાવાઝોડાની અસરથી સ્તબ્ધ છે.ભાવનગરમાં અનેક વૃક્ષોનો સોથ વળી ગયો, પર્યાવરણને ભારે નુકશાન, વૃક્ષો દૂર કરવા કોર્પોરેશને 16 જેસીબી અને 3 ક્રેઇન કામે લગાડી, રસ્તા બ્લોક થતા તંત્ર ધંધે લાગ્યું છે. શહેર અને જિલ્લામાં 1000 હજાર વિજપોલ, 134 વીજ ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત થતા તેમ ડીઝાસ્ટર મેનેજમેન્ટએ જણાવ્યું હતું. ભારે પવનના પગલે પોણા શહેરમાં રાત્રે જ વીજ પુરવઠો ખોરવાયો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર