અમદાવાદમાં મે મહિનાના પ્રથમ પખવાડિયામાં 50 હજારથી વધુ કેસ નોંધાયા, હાલમાં 25 હજાર 850 દર્દીઓ સારવાર હેઠળ

બુધવાર, 19 મે 2021 (15:46 IST)
અમદાવાદમાં કોરોનાની ઘાતક નીવડેલી બીજી લહેર કાબુમાં આવી રહી છે. શહેરમાં પાંચ હજારથી વધુનો આંકડો વટાવી ગયેલ કોરોના હવે બે હજારના આંકડા નીચે આવી ગયો છે. તે છતાંય હજી શહેરમાં 25 હજાર 850 કેસ એક્ટિવ છે. બીજી તરફ હોસ્પિટલોમાં ઓકિસજન સાથેના અને આઈસીયુના 50 ટકાથી વધુ બેડ ખાલી પડયા છે. જ્યારે વેન્ટીલેટર પર ખાનગી હોસ્પિટલોમાં હજુ પણ 403 દર્દીઓ ગંભીર સ્થિતિમાં છે.

મે મહિનાની 16મી સુધીમાં 56 હજાર 440 દર્દીઓ મ્યુનિ.ની હદમાં નોંધાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની, સરકારી અને ખાનગી હોસ્પિટલોના ICU અને ઓક્સિજનવાળા બેડમાં હજુ પણ 6075 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. ખાનગી હોસ્પિટલોની વેબસાઇટ પર મુકાયેલી વિગતો અનુસાર કુલ 6719 માંથી 3499 એટલે કે 52 ટકા બેડ ભરાયેલા છે. જ્યારે 3220 બેડ ખાલી છે. આ પૈકી ICUના 783 બેડમાં દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે, જ્યારે 192 ખાલી છે. એવી જ રીતે વેન્ટીલેટર પર હજુ પણ 403 દર્દીઓ છે, માત્ર 22 વેન્ટીલેટરો જ ખાલી પડયા છે. નવા કેસો અગાઉ કરતાં ઓછા નોંધાય છે, ડિસ્ચાર્જ થતાં દર્દીઓનું પ્રમાણ નવા કેસો કરતાં ડબલથી પણ વધુ છે. આમ છતાં ગંભીર દર્દીઓની સંખ્યા પણ હજુ ઘણી મોટી છે.

મ્યુનિ.ની ચૂંટણી પુરી થયા બાદ પરિણામ 23 મીએ હતું તે પછી ક્રમશ: દર્દીઓમાં વધારો નોંધાવા માંડયો હતો. 1 લી એપ્રિલે 613 દર્દી નોંધાયા હતા. જે વધીને 25મીએ 5790ના આંકડાને આંબી ગયા હતા. પહેલી વખત 26મીએ નજીવા ઘટાડા સાથે 5619 કેસો નોંધાયા હતા. ત્યારબાદ ક્રમશ: નવા કેસોમાં ઘટાડો અને ડિસ્ચાર્જ થતાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે.અમદાવાદ શહેરમાં પાંચ દિવસ કોરોનાના કેસમાં ઘટાડો થયા બાદ મંગળવારે ફરી એક વખત દૈનિક કેસમાં 476 કેસનો ઘટાડો થતા નવા કુલ 1862 કેસ અને 12 લોકોના મોત નોંધાયા છે. હોસ્પિટલમાંથી સાજા થઈ ઘરે પરત ફરનારા દર્દીઓની સંખ્યા 2630 થવા પામી છે. આ અંગે મળતી માહીતી મુજબ,મંગળવારે નવા 1862 કેસ નોંધાયા છે.ગત માર્ચથી અત્યાર સુધીમાં શહેરમાં કોરોનાના કુલ 221257 કેસ નોંધાયા છે. 2630  લોકોએ ડિસ્ચાર્જ લેતા અત્યાર સુધીમાં કુલ 1 લાખ 93 હજાર 028 લોકો કોરોનામુકત થયા છે.12 લોકોના મોત થતા અત્યાર સુધીમાં કુલ 3159 લોકોના કોરોના સંક્રમિત થવાથી મરણ થયા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર