મે મહિના દરમિયાન ગુજરાતને વેક્સિનના 11 લાખ ડોઝ મળશે

શુક્રવાર, 30 એપ્રિલ 2021 (19:33 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાતના સ્થાપના દિવસથી યુવાનોના વેક્સિનેશનનો શુભારંભ કરાવશે. જ્યાં કોરોનાનું સંક્રમણ વધારે છે તેવા 10 જિલ્લાઓ- અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં યુવાનોને આવતીકાલથી વિનામૂલ્યે વેક્સિન આપવામાં આવશે. સ્થળ પર રજીસ્ટ્રેશનની જોગવાઇ ન હોવાથી cowin.gov.in પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તે યુવાનોને જ વેક્સિન અપાશે.
 
ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ, તા. 1લી મેથી રાજ્યના 10 જિલ્લાઓમાં 18 વર્ષથી 45 વર્ષનાવધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપશે એમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું.
 
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના 18 વર્ષથી વધુ વયના યુવાનો કોરોના સામે સુરક્ષિત રહે એ હેતુ જલદીમાં જલદી વેક્સિનેશન શરૂ થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.
 
ગુજરાતે ભારતના સ્વદેશી વેક્સિન ઉત્પાદકોને અઢી કરોડ વેક્સિન ડોઝ માટે ઓર્ડર આપી દીધો છે. વધુને વધુ વેક્સિન ડોઝ મળે તે માટે ગુજરાત સરકાર સતત આ બંને કંપનીઓના પરામર્શમાં છે. આજે સાંજ સુધીમાં 3 લાખ વેક્સિન ડોઝ હવાઇમાર્ગે ગુજરાત આવી રહ્યા છે અને આવતીકાલથી ૧૦ જિલ્લાઓમાં યુવાનોના વેક્સિનેશનનો શુભારંભ થઈ જશે.
 
ગુજરાતમાં જ્યાં કોરોનાનું સંક્રમણ વધારે છે એવા 10 જિલ્લાઓ- અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં 1 મે, 2021થી સવારે 9 વાગ્યાથી 18 વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપશે.   
 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મે મહિના દરમિયાન ગુજરાતને વેક્સિનના 11 લાખ ડોઝ મળશે. હજુ વધુ જથ્થો પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. જેમ-જેમ વેક્સિન ઉપલબ્ધ થશે તેમ-તેમ વધુને વધુ જિલ્લાઓમાં યુવાનોના વેક્સિનેશનનો તબક્કાવાર આરંભ કરાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર