કોરોના મહામારી સામેની લડતમાં તબીબો જ સેનાપતિ

શુક્રવાર, 16 એપ્રિલ 2021 (19:42 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં કોરોનાના વધતા કેસ સામે હોસ્પિટલ, બેડ અને અન્ય સંસાધનોની સંખ્યા વધારવા માટે રાજ્ય સરકાર સતત પ્રયાસરત છે. આવા સમયે રાજ્યના ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના તમામ શાખાના તબીબો કોરોના મહામારી સામેની લડતમાં વહીવટી તંત્ર સાથે જોડાય તે સમયની માંગ છે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતેથી મુખ્ય સાત શહેરોના આઈ.એમ.એ. પ્રમુખ-હોદ્દેદારો સાથે કોરોના નિયંત્રણ અંગે ઇ-સંવાદ યોજાયો હતો. 
 
મુખ્યમંત્રીએ કહ્યું કે, હાલના કપરા સમયમાં જ્યાં જરૂર પડે ત્યાં જિલ્લા કલેકટર-કમિશનરના નેજા હેઠળ તમામ ખાનગી તબીબો કોરોના દર્દીની સારવાર માટે વહીવટી તંત્રને પૂરતો સહયોગ આપે તે જરૂરી છે. કોરોના મહામારી સામેની લડતમાં તબીબો જ સેનાપતિ છે અને તેમના સહયોગથી જ આ જંગ જીતી શકીશું, તેમ તેમણે ઉમેર્યું હતું.
 
મુખ્યમંત્રીએ કહ્યું કે, જિલ્લામાં કોવિડ બેડની સંખ્યામાં વધારો કરવા અને તંત્રને મદદરૂપ થવા પ્રાઇવેટ નર્સિંગ હોમ કોરોનાના દર્દીઓ માટે પથારી અનામત રાખે તે ઇચ્છનીય છે. 
 
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ભૂકંપ-પૂર જેવી આપદા થોડા સમય પૂરતી આવે છે પરંતુ કોરોના મહામારી સામે છેલ્લા એક વર્ષથી આપણે સતત લડી રહ્યા છીએ. અન્ય આપદાઓમાં વિભિન્ન વિભાગના કર્મીઓ કામે લાગી શકે છે જ્યારે આ આરોગ્ય આપદામાં માત્ર તાલીમબદ્ધ આરોગ્ય કર્મીઓ જ દર્દીને સેવા- સારવાર આપી શકે છે. 
 
તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર આગામી સંભવિત પરિસ્થિતિઓનું આંકલન કરી કાર્યરીતિ-નીતિ ઘડી રહી છે. માનવ સંસાધનની માંગને પહોંચી વળવા આરોગ્ય ક્ષેત્રે આવશ્યક તમામ ભરતીઓ કરવાની જિલ્લા વહીવટી તંત્રને છુટ આપી છે. સરકારે આરોગ્ય વિભાગની હોમીયોપેથી, આયુર્વેદિક જેવી તમામ શાખાના આરોગ્ય કર્મી- તબીબોને કોવિડ દર્દીઓની સારવારમાં જોડ્યા છે ત્યારે ઈન્ડીયન મેડીકલ એસોસિએશનની ભૂમિકા પણ એટલી જ મહત્વની બની જાય છે.
 
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે IMAના સભ્યો સાથેના ઇ-સંવાદમાં જણાવ્યું હતું કે, રાજ્યભરના IMAના તબીબો ફેમિલી ડૉક્ટરની જેમ ટેકનોલોજીના માધ્યમથી પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે કોરોનાના દર્દીનું કાઉન્સિલીંગ-સારવાર કરે તે વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે. આપણે કોરોનાના દર્દીને ફોન ઉપર કે વીડિયો કોલના માધ્યમથી તેની સાથે વાતચીત કરીને સારવાર આપી શકીએ અને જરૂર જણાય તો જ હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપીએ આમ કરવાથી સામાન્ય લોકોમાં કોરોનાનો ડર ઓછો થશે. 
 
તેમને ભાર મૂકતાં કહ્યું હતું કે, આપણે ફેમિલી ડૉક્ટરની ભૂમિકા ભજવીશું તો જ કોરોનાની પરિસ્થિતિને સંયુક્ત પ્રયાસોથી નિયંત્રણમાં લાવી શકીશું. આઅપણે આપણા વિસ્તાર-શહેરમાં પ્રજાલક્ષી સેવાકાર્યો કરતા હોઇએ છીએ તેમાં આ બાબત ઉમેરવી પડશે. આપણા યોગ્ય માર્ગદર્શનથી કોરોનાના દર્દીઓને સારી સારવાર મળી રહેશે તો સરકારી હોસ્પિટલો ઉપરનું ભારણ ઘટશે અને લોકો પોતાના ઘરે રહીને જ સારી સારવાર લઈ શકશે. આપણે ખાનગી પ્રેક્ટિસની સાથે સાથે સરકારી હોસ્પિટલમાં પણ કોરોના દર્દીઓનું કાઉન્સિલીંગ કરતા રહેવું જોઇએ તો કોઇનો જીવ બચાવી શકીશું તેમ તેમણે ઉમેર્યું હતું. 
 
આ ઇ-સંવાદ દરમિયાન રાજ્યના IMAના હોદ્દેદારોએ કોરોના મહામારી સામેનો જંગ જીતવા સરકારને જરૂરી તમામ સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
 
બેઠકની શરૂઆતમાં મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે રાજ્યમાં કોરોના સંક્રમણ અને આરોગ્ય માળખાની વર્તમાન સ્થિતિ અંગે વિસ્તૃત આંકડાકીય વિગતો આપતું પ્રેઝન્ટેશન આપ્યું હતું. જેમાં તેઓએ રાજ્યમાં છેલ્લા એક મહિનામાં કોરોના ટેસ્ટની સંખ્યા ૪૬ હજારથી વધારીને ૧.૫૯ લાખ થઇ હોવાનું, બેડની સંખ્યામાં ૩૪ હજારનો વધારો, ચાર લાખ રેમડેસિવીર ઇન્જેક્શનનું વિતરણ અને અત્યાર સુધી વેક્સિનના એક કરોડ ડોઝ અપાયા હોવાનું જણાવ્યું હતું.   
 
ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ. જયંતી રવિ, આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે તેમજ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, કચ્છ, મહેસાણા અને આણંદના જિલ્લા કલેક્ટર, કમિશનર, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખઓ – હોદ્દેદારો અને નિષ્ણાંત તબીબોએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઇને કોરોના નિયંત્રણ માટે ચર્ચા- વિચારણા કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર