રાજ્યમાં વર્ષ ૨૦૨૨ના અંત સુધીમાં જ્યાં ઘર હશે, ત્યાં નળ હશે - મુખ્યમંત્રી વિજય રૂપાણી

બુધવાર, 17 માર્ચ 2021 (07:52 IST)
‘મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભાના પ્રશ્નોત્તરી સમય દરમિયાન ગૃહમાં પૂછાયેલા 'નલ સે જલ’ યોજના સંદર્ભના પ્રશ્નના ઉત્તરમાં સહભાગી થતા જણાવ્યું કે, આગામી વર્ષ ૨૦૨૦ના અંત સુધીમાં રાજ્યમાં ‘જ્યાં ઘર હશે ત્યાં નળ હશે’ તેવા સંકલ્પ સાથે અમે આગળ વધી રહ્યા છીએ.
 
 
માત્ર ગ્રામ્ય વિસ્તારમાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત ૧૦ લાખ ૨૦ હજાર જેટલાં નળ કનેક્શન આપી દેવામાં આવ્યા છે તેમ પણ તેમણે ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં શુદ્ધ પાણી મળી રહે અને ઘરે ઘરે નળથી પાણી પ્રાપ્ત થાય તેવા સંકલ્પ સાથે ‘નલ સે જલ’ યોજના શરૂ કરી છે. 
 
 
આ યોજનાને વર્ષ ૨૦૨૨ સુધીમાં જ ગુજરાત રાજ્યમાં પૂર્ણ કરી દેવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે તેમ જણાવી મુખ્ય મંત્રીએ ઉમેર્યું કે, હાલના તબક્કે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૭ લાખ જેટલાં નળ કનેક્શન બાકી રહ્યા છે તે માટે ઝુંબેશ સ્વરૂપે દર મહિને એક લાખ નળ કનેક્શન આપવાના લક્ષ્યાંક સાથે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે એટલે ૧૭ મહિનામાં રાજ્યના પ્રત્યેક ઘરમાં ‘નલ સે જલ’ હશે.
 
 
મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, રાજ્યના પાંચ જિલ્લાઓમાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. પોરબંદર, આણંદ, ગાંધીનગર, બોટાદ અને મહેસાણા મળીને પાંચ જિલ્લાઓમાં ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને બાકીના વિસ્તારોમાં ખૂબ જ ઝડપી એટલે કે વર્ષ-૨૦૨૨ના અંત સુધીમાં આ યોજના હેઠળ કામગીરી પૂર્ણ કરી દેવાશે તેવો અમારો મક્કમ નિર્ધાર છે.
 
 
જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાં ‘નલ સે જલ’ યોજના  બાબતે વિધાન સભા ગૃહમાં પૂછવામાં આવેલા સવાલના જવાબમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે, જૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૧૯માં ૯૪ અને વર્ષ ૨૦૨૦માં ૨૦૬૭ નળ કનેક્શન આપવામાં આવ્યા. તે અંતર્ગત કુલ રૂપિયા ૧૫૨૧.૫૫ લાખ ખર્ચ કરવામાં આવ્યો. જ્યારે ભાવનગર જિલ્લામાં વર્ષ ૨૦૧૯માં ૪૮૯૪ અને વર્ષ ૨૦૨૦માં ૨૦૩૬૪ નળ કનેક્શન આપવામાં આવ્યા છે અને તે માટે  કુલ રૂપિયા ૫૭૩૦.૩૫ લાખ ખર્ચ કરવામાં 
આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર