ગિફ્ટ સિટીના કારણે આટલા લોકોને મળી રોજગારી, થાય છે 1 લાખ કરોડનું ટર્ન ઓવર

મંગળવાર, 16 માર્ચ 2021 (14:36 IST)
વિધાનસભામાં બજેટ પરની ચર્ચાનો જવાબ આપતા ઉર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યું કે દેશના રોકાણકારો માટે ગુજરાત હવે ફાયનાન્સિયલ હબ પણ બની રહ્યું છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં હાલ એક લાખ કરોડનું ટર્ન ઓવર થઇ રહ્યું હોવાનો સરકારનાં ઉર્જા મંત્રી સૌરભ પટેલ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.
 
અહીં સંખ્યાબંધ નેશનલ અને ઇન્ટરનેશનલ બેન્ક કામ કરે છે. 12 હજાર કરતા વધુ લોકોને ગિફ્ટ સિટીમાં રોજગારી મળી છે. બ્રિક્સ દેશોની ઝોનલ ઓફિસ પણ ગિફ્ટ સિટીમાં ઉભી થઇ રહી છે. ટુંક સમયમાં તેના કાર્યાલયની શરૂઆત પણ કરવામાં આવશે. ત્યાં પણ અનેક લોકોને રોજગારી મળે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
 
સૌરભ પટેલે કહ્યું કે ગુજરાત સરકાર દેવું કરવા અને તેને સરભર કરવા સક્ષમ છે. કેન્દ્ર અને રીઝર્વ બેન્કના કાયદા પ્રમાણે દેવું કરવામાં આવે છે. કોરોનાને કારણે દેશના અન્ય રાજ્યોએ બજેટમાં વેરા વધાર્યા પણ ગુજરાત સરકારે એકપણ રૂપિયાનો વધારાનો વેરો નાંખ્યો નથી. સામે આવકો વધારી છે. ગુજરાત વર્ષોથી ડબલ ડિજીટ ગ્રોથ રેટ ઉપર ચાલતું આવ્યું છે. દુનિયાભરમાં આ વખતે નેગેટિવ ગ્રોથ રેટ થવાનો અંદાજ છે ત્યારે ભલે ગુજરાતનો ગ્રોથરેટ વધે નહીં પણ નેગેટીવ તો નહીં જ રહે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર