રાજકોટ ભાજપમાં ભડકો, અસંતોષના બળાપા સાથે કવિતા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ

ગુરુવાર, 24 ઑગસ્ટ 2023 (16:32 IST)
વાયરલ કવિતામાં જી હજુરીયા અને સગાવાદને પ્રોત્સાહન અપાયાના ઉલ્લેખથી ભાજપની રાજનીતિમાં ગરમાવો
 
હવે ભાજપ લોકસભાની ચૂંટણી માટે સક્રિય થાય છે ત્યાં નવો વિવાદ સામે આવીને ઉભો થઈ જાય છે
 
રાજકોટઃ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરુ કરી દીધી છે. અત્યાર સુધીમાં કોંગ્રેસમાં જૂથબંધીની વાતો થતી આવી છે. ત્યારે ચૂંટણી નજીક હોવાથી ભાજપમાં પણ ભાંજગડ શરૂ થઈ ગઈ છે. પહેલાં પત્રિકા કાંડ અને હવે કવિતા કાંડ ગાજ્યો છે.તાજેતરમાં જ જામનગરમાં ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજાની જામનગરના મેયર અને સાંસદ સાથે ઉગ્ર બોલાચાલી સામે આવી હતી. આવા અનેક બનાવોમાં ભાજપે નારાજગી ઠારવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે હવે રાજકોટ ભાજપમાં કવિતા કાંડ બહાર આવ્યો છે. જેમાં ભાજપના જ કાર્યકરે કવિતા લખીને અસંતોષનો બળાપો કાઢ્યો છે. સોશિયલ મીડિયામાં પત્રિકા ફરતી થઈ છે. 
 
રાજકોટ શહેર ભાજપ પ્રમુખે કહ્યું કાર્યકરે રોષ ઠાલવ્યો છે
સોશિયલ મીડિયામાં વહેતી થયેલી કવિતામાં રાજકોટ શહેરના રાજકારણમાં જેનો પ્રભાવ પડી રહ્યો છે તેઓ ચલાવે છે. તે ઉપરાંત જી હજુરિયા અને સગાવાદનો ઉલ્લેખ કરાયો છે. શિક્ષણ સમિતિ, મનપામાં પદાધિકારીઓની પસંદગીમાં મામલે શાબ્દિક કટાક્ષ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ આ અંગે મીડિયાને કહ્યું કે, આજે સવારે જ વર્તમાન પત્રના માધ્યમથી કવિતા વાંચી છે. કોઈ કાર્યકર્તાની ક્યાંકને ક્યાંક લાગણી દુભાણી હોય એમ કહી શકું છું. ભારતીય જનતા પાર્ટીમાં લાખો લોકો સંકળાયેલા છે. નિમણૂંકની પ્રક્રિયામાં દરેક લોકોને ન્યાય ન આપી શકાય પણ સાચા, સારા અને સક્રિય કાર્યકર્તાની ભાજપ નોંધ લે છે. આવનારા દિવસોમાં દરેક કાર્યકર્તાની નોંધ લેવાશે તેની હું ખાતરી આપું છું. કોઈ કાર્યકરે રોષ પણ ઠાલવ્યો છે આ રોષ અમારા પરિવારનો છે. કવિતા કોણે લખી છે તે વિશે કંઈ કહી ન શકું.
 
શિસ્તબદ્ધ ભાજપમાં જાહેરમાં અસંતોષની જ્વાળાઓ
ઉલ્લેખનીય છે કે, ભાજપને એક શિસ્તબદ્ધ પક્ષ માનવામાં આવે છે. પક્ષના કાર્યકરોને જાહેરમાં બળાપો કાઢવાની રીતસરની મનાઈ હોવા છતાં જાહેરમાં ખુલ્લેઆમ બળાપો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિને જોતાં ભાજપમાં વિખવાદો વધી રહ્યાં છે. એકબાજુ પ્રદેશ પ્રમુખ પાટીલ જૂથ સામે પત્રિકાકાંડ, અમદાવાદમાં પ્રદીપસિંહ વાઘેલાના વિવાદ બાદ જામનગરમાં મહિલા ત્રિપૂટીએ જાહેરમાં ઉગ્ર રકઝક કરતાં ભાજપના આંતરિક અસંતોષ જાહેરમાં આવી ગયો છે. રાજકોટ, વડોદરા અને આણંદમાં ભાજપના કદાવર નેતાઓએ પોતાનો અસંતોષ જાહેરમાં કાઢ્યો છે. માંડ પાર્ટી લોકસભાની ચૂંટણી માટે સક્રિય થાય છે ત્યાં નવો વિવાદ દરવાજે આવીને ઉભો રહી જાય છે. આ સ્થિતિ રહી તો ભાજપની હાલત કોંગ્રેસ કરતાં પણ બદ્તર થઈ જશે.
 
શું લખ્યું છે કવિતામાં જેનાથી ભાજપમાં ભડકો થયો
 
કાંઇક તો ખામી હશે, મુખર્જી અને દીનદયાળજીના બંધારણની રચનામાં
જ્યાં ખોટાને શિરપાવ મળે, સાચા કદ મુજબ વેતરાઈ જાય
નેતાના જૂના મિત્રો હોવાનો બિનલાયકને શિરપાવ મળે છે સાચા કદ મુજબ વેતરાય જાય છે
કામ કરનારની કોઇ કદર નથી, ગુરુના ચેલા ચાલી જાય છે
અર્જુનને આગળ વધારવા એકલવ્યનો અંગૂઠો કાપી લેવાય છે
સમય એ પણ હતો જ્યારે મહાદેવને પગે લાગતા
આજે મામાના ભાણા બનવું પડે છે, સાચા કદ મુજબ વેતરાય જાય છે
જૂનું થઇ ગયું, જમીની કામ કરવું, સાબિત થઇ ગયું કે જન્મદિવસના ફોટા મૂકીને પણ નેતા બનાય છે
જૂનું થઇ ગયું, સમિતિમાં હતા તો ભ્રષ્ટાચારી હતા,સાબિત થઇ ગયું કે સંગઠનમાં આવ્યા એટલે સ્વચ્છ થઇ ગયા.
જૂનું થઇ ગયું,આવડત અને ક્ષમતાનો ફાયદો લેવો, સાબિત થઇ ગયું કે મારા હોય કે (અભદ્ર શબ્દ પ્રયોગ) હોય એજ ચાલી જાય
જૂનું થઇ ગયું પરિશ્રમની પરાકાષ્ઠા સર્જવાનું 
સાબિત થઇ ગયું કે છેલ્લા 8, 10 દી’ મોટા આકાની સામે ફરી લઇ એ ચાલી સલામત થઈ જાય છે..

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર