મોરબી બ્રિજ દુર્ઘટના કેસઃ નગરપાલિકાને સુપરસીડ કરવાના નિર્ણયને કોર્પોરેટરોએ હાઈકોર્ટમાં પડકાર્યો

ગુરુવાર, 24 ઑગસ્ટ 2023 (14:48 IST)
મોરબી નગર પાલિકાના નગર સેવકોએ હાઈકોર્ટમાં અરજી કરતાં કોર્ટે સરકાર પાસે ખુલાસો માંગ્યો
 
મોરબી બ્રિજ દુર્ઘટના કેસઃ  30 ઓક્ટોબર 2022ના રોજ ઘટેલી મોરબીમાં ઝૂલતા પૂલ દુર્ઘટનાએ દેશભરને હચમચાવી મૂક્યો હતો. પુલના નવીનીકરણ બાદ ખુલ્લા મૂકાયાના ગણતરીના દિવસોમાં ગોઝારી ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં રાજ્ય સરકારે મોરબી નગર પાલિકાને સુપરસીડ કરવાનો નિર્ણય કર્યો હતો. 52 સભ્યોની મોરબીપાલિકાને સુપરસીડ કરતા વહીવટ અધિક નિવાસી કલેક્ટર નરેન્દ્ર મુછાળને સોંપાયો હતો. હવે આ મુદ્દે મોરબી નગર પાલિકાના નગર સેવકોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. સરકાર દ્વારા પાલિકાને સુપરસીડ કરવાના નિર્ણયને નગરસેવકોએ હાઈકોર્ટમાં પડકાર્યો છે. બીજી તરફ હાઈકોર્ટે આ મામલે રાજ્ય સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. 
 
સ્પેશિયલ પીપી તરીકે એસ.કે.વોરાએ રાજીનામુ આપ્યું
આ કેસમાં સરકારી વકીલ સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર એસ. કે. વોરાની નિમણૂક કરાઈ હતી. સ્પેશિયલ પીપી તરીકે એસ.કે.વોરાએ તાજેતરમાં જ રાજીનામુ ધરી દીધું હતું.મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના કેસમાં સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામા આવી હતી. જે કેસમાં કામનું ભારણ વધારે હોવાનું કારણ આગળ ધરી વકીલે રાજીનામું આપી દેતા વધુ એક વખત આ કેસ ચર્ચાનું કારણ બન્યો હતો. SK વોરા રાજકોટના મુખ્ય સરકારી વકીલ તરીકે ફરજ બજાવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર