ડાંગમાં શાળા શરૂ થયાના પ્રથમ દિવસે જ ધો.11માં ભણતા વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સોમવાર, 22 નવેમ્બર 2021 (14:19 IST)
આજથી ધોરણ 1થી 5ની શાળાઓ શરૂ થતાં શિક્ષણ વિભાગ રાજ્યના દરેક જિલ્લામાં એક્ટિવ થયો છે અને વિદ્યાર્થીઓએ શાળા પ્રવેશ કરવા માટે તૈયારીઓ શરૂ કરી છે. એવામાં ડાંગના આહવા તાલુકાના સાપુતારા તળેટી વિસ્તારમાં આવેલા સંતોકબા ધોળકિયા વિદ્યામંદિરમાં સાયન્સ ધો 11માં અભ્યાસ કરતા આશાસ્પદ આદિવાસી વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

સાપુતારા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થીએ કયા કારણોસર આત્મહત્યા કરી એને લઈને ખુલાસો થયો નથી, પણ વિદ્યાર્થીનાં પરિવારજનોને પોલીસ અને શાળા પરિવાર દ્વારા જાણ કરવામાં આવી છે. 16 વર્ષના વિદ્યાર્થીએ કેમ શાળા પરિસરમાં આત્મહત્યાનું પગલું ભર્યું એને લઈને પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે.હાલમાં તો સાપુતારા પોલીસ દ્વારા શાળા-સંચાલકોનાં નિવેદન લઇને તપાસ કરવામાં આવી રહી છે. આપઘાતની ઘટના સવારે આઠ વાગ્યે બની હોવાની વાત સંચાલકો જણાવી રહ્યા છે, સાથે જ વિદ્યાર્થી ગુંદવહળ ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. ગુજરાત રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને મોટિવેશનલ સેમિનાર કરીને આત્મહત્યા અટકાવવા માટેના અનેક લખલૂટ ખર્ચ કરે છે છતાં પણ તેમના વધતા જતા આત્મહત્યાના બનાવોથી ક્યાંક ને ક્યાંક શિક્ષણ વિભાગ પણ તેમને સકારાત્મક તાલીમ આપવામાં નિષ્ફળ ગયા હોય એમ ઈશારા કરી રહ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર