અમદાવાદમાં NRI મહિલાને રોકાણની લાલચ આપી પૂર્વ ક્લાસમેટે 2 કરોડની છેતરપિંડી કરી

સોમવાર, 22 નવેમ્બર 2021 (11:48 IST)
25 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલી એનઆરઆઈ મહિલાને તેના જ ક્લાસમેટ, તેના પત્ની સહિત 3 જણાંએ પ્રોપર્ટી, સોના અને જમીનમાં રોકાણની લાલચ આપીને રૂ.1.99 કરોડ પડાવી લીધા હતા. જ્યારે મહિલા અમદાવાદ આવે ત્યારે તમામ પ્રોપર્ટી અને સોનું આપી દેવાની બાંયધરી આપી હતી. તેમ છતાં તેમને પ્રોપર્ટી, સોનું નહીં આપીને ખોટા કેસમાં ફસાવી દેવાની અને પાસપોર્ટ પોલીસ-કોર્ટમાં જમા કરાવડાવી અમેરિકા જતાં અટકાવવાની ધમકી આપતા હતા. અમેરિકામાં 25 વર્ષથી સ્થાયી થયેલા કૃપલબહેન 12 સપ્ટેમ્બર 2019ના રોજ અમદાવાદ આવ્યા હતા. ત્યારે તેમની સ્કૂલની એક મિત્રએ તેમને સ્કૂલના વોટસએપ ગૃપમાં એડ કર્યા હતા જેના આધારે કૃપલબહેન ક્લાસમેટ પ્રદીપ પંચાલ તેના પત્ની મનીષા અને પીયૂષ ભોગીલાલ પટેલના સંપર્કમાં આવ્યા હતા. જેથી આ ત્રણેય જણાયએ જમીન-મકાન અને સોનામાં પૈસા રોકવાની વાત કરી કૃપલબહેનને વિશ્વાસમાં લેતા તેમણે ટુકડે ટુકડે રૂ.1.99 લાખ આપ્યા હતા. નવેમ્બર 2021માં કૃપલબહેન અમદાવાદ આવવાના હોવાથી ઓક્ટોબરમાં જ ત્રણેયે વોટસએપ કોલથી વાત કરી હતી. જેમાં આ ત્રણેયે પૈસા પડાવી લીધા હોવાનું કહીને, તારાથી જે થાય તે કરી લે તેવી ધમકી આપતાં કૃપલબહેનએ ત્રણેય વિરુદ્ધ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઈ જે.પી. જાડેજાએ આરોપી પ્રદીપ પંચાલની ધરપકડ કરી છે. જે-તે સમયે પ્રદીપભાઈ, મનીષાબેન અને પીયૂષ પટેલ રાણીપ પિન્કસીટીમાં રહેતા હોવાનું જણાવ્યું હતું. જેથી કૃપલબહેન આ ત્રણેયને પૈસા આ સરનામે મોકલતા. એટલું જ નહીં અમેરિકાથી શૂઝ, કપડાં અને જ્વેલરી પણ મોકલતા હતા. કોરોનાની મહામારીમાં પીયૂષને રૂ.1.50 લાખની જરૂર હોવાથી કૃપલબહેને મદદ કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર