અધૂરા માસે જન્મેલી ફક્ત 750 ગ્રામની બાળકીને અમદાવાદની જીસીએસ હોસ્પિટલમાં ડોક્ટરોએ આપ્યું નવજીવન

શુક્રવાર, 19 નવેમ્બર 2021 (12:01 IST)
સામાન્ય રીતે બાળક જન્મે ત્યારે તેની તંદુરસ્તી બાબતે માતા-પિતા ખૂબ જ સજાગ હોય છે અને મોટાભાગના કેસોમાં બાળક પૂરતા વજન સાથે જન્મે તો તેની તંદુરસ્તી સારી હોય છે. પરંતુ ક્યારેક બાળક અધૂરા માસે જન્મે ત્યારે અવિકસિત હોય છે અને તેનું વજન ઓછું હોવાથી તેની તંદુરસ્તી જોખમાઈ શકે છે. ક્યારેક આ પ્રકારે અધૂરા માસે જન્મેલા બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે. તાજેતરમાં જીસીએસ હોસ્પિટલમાં ફક્ત 750 ગ્રામ વજન સાથે અધૂરા માસે જન્મેલી બાળકીની 65 દિવસ સારવાર બાદ તેને સ્વસ્થ રીતે ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. માતા સોનલબેન કોરટ 26 અઠવાડિયાનો ગર્ભ ધરાવતા હતા. છઠ્ઠા મહિને ગર્ભાશયની કોથળી ફાટી જતા સિઝેરિઅન ડિલિવરી માટે તેઓ જીસીએસ હોસ્પિટલમાં 9 સપ્ટેમ્બરના રોજ દાખલ થયા હતા, જ્યાં સોનલબેને ફક્ત 750 ગ્રામ વજન ધરાવતી બાળકીને જન્મ આપ્યો હતો. અધૂરા માસે જન્મેલી હોવાના કારણે ડોક્ટરો સાથે માતા-પિતા પણ આ બાબતની ગંભીરતા સમજતા હતા. જીસીએસ હોસ્પિટલના ડો. હર્ષ મોડ (આસિસ્ટન્ટ પ્રોફેસર - પિડીયાટ્રીક્સ), પિડીયાટ્રીક્સ વિભાગના રેસિડેન્ટ્સ અને એન.આઈ.સી.યુ. વિભાગએ કુદરતના આ પડકારને પહોંચી વળવા મહેનત શરૂ કરી હતી અને કાળજી રાખીને તેને સારવાર આપી હતી. આ બાળકી 28 જેટલા લાંબા દિવસ સુધી વેન્ટિલેટર પર તથા એનઆઈસીયુમાં 65 દિવસ સુધી રહી હતી અને તેને નવજીવન મળ્યું છે. બાળક આવી પરિસ્થિતિમાં હોય ત્યારે માતાપિતા પણ ખુબ ચિંતામાં આવી જાય પરંતુ જીસીએસ હોસ્પિટલના સ્ટાફ દ્વારા તેમને પણ સહાનુભૂતિ આપી અને બાળકીના સ્વાસ્થ્યમાં નિયમિત સુધારો કરીને મદદરૂપ થયા હતા. બાળકીને શરૂઆતમાં નાકની નળી દ્વારા માતાનું દૂધ આપવામાં આવ્યું અને પછી ધીમે ધીમે ચમચી અને પછી સ્તનપાન ચાલુ કર્યું. ઓછા વજનવાળા બાળકોમાં "કાંગારું મધર કેર " ખૂબ અસરકારક છે. તેથી 21માં દિવસે જ બાળકીને માતા દ્વારા કાંગારું મધર કેર શરૂ કરી દેવામાં આવી હતી. 65 દિવસની ડોક્ટર, નર્સ તથા બીજા સ્ટાફની આકરી મહેનત પછી નાનકડી બાળકીનું વજન 1 કિલો 410 ગ્રામ વજન જેટલું એટલે કે જન્મેલ સમય કરતા બે ગણું થયું હતું અને તેને પગલે તેને હોસ્પિટલમાંથી 16 નવેમ્બરના રોજ રજા આપવામાં આવી હતી. જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત (પ્રિ-એન્ટ્રી લેવલ) 1000-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર