કોરોના મહામારી વચ્ચે કપવિડ પોઝિટિવ દર્દી અને તેમના સગા સંબંધીઓને પડતી હાલાકી તથા ઇન્જેક્શનની અછત મુદ્દે કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે લોકોની વેદનાને વાચા આપવા આજે કોંગ્રેસ પરિવાર એકત્ર થયું છે અને રેમડીસીવીર ઇન્જેકશનની કાળા બજારી સહિતના મુદ્દે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તાજેતરમાં લોકો રેમેડીસીવીર ઇન્જેક્શન મેળવવા ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તંત્ર કોરોના ના આંકડા ખોટા જાહેર કરી રહ્યું છે. બેડ ,વેન્ટિલેટર અને ઓક્સિજનનો અભાવ જોવા મળી રહ્યો છે . લોકોને બચાવવા કરતાં સત્તાધીશો વાહ-વાહી મેળવવામાં વ્યસ્ત છે. લોકોને પડતી અગવડતા મામલે સરકાર ચૂપ કેમ છે. તેવો સવાલ ઉઠાવ્યો છે.
કોર્પોરેશન દ્વારા ખાનગી સ્થળોની જગ્યાએ સરકારી સ્થળોએ કોવિડ સેન્ટર ઉભા કરવા જોઈએ. તેમ જણાવતા નગરસેવક અમીબેન રાવતે જણાવ્યું હતું કે હાઈકોર્ટે સરકાર સામે સુઓમોટો કેસ ફાઈલ કર્યો છે. તે જોતા સરકારની નિષ્ફળતા સાબિત થાય છે. કોરોના મહામારીમાં દર્દી તથા સંબંધીઓ તમામ સેવા માટે લાઈનમાં ઉભા રહે છે . લોકોને પુરી સુવિધા ના આપી શકતા હોય તો સર્વદલિય બેઠક બોલાવી ચોક્કસ રણનીતિ નક્કી કરવી જોઈએ.
આ મુદ્દે પૂર્વ વિપક્ષી નેતા અને હાલના નગરસેવક ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે એક તરફ લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને બીજી તરફ સરકાર ટીકા ઉત્સવની વાત કરે છે. લોકો પોતાના પરિવારજનોને બચાવવા માટે રેમડીસીવીર ઇન્જેક્શન માટે ધક્કા ખાઇ રહ્યા છે અને સત્તાધારી પક્ષના અગ્રણીઓ ભાજપનો ખેસ પહેરી કાર્યક્રમો કરી વાહવાહી મેળવી રહ્યા છે. વધુમાં જણાવ્યું કે, લોકોને ઇન્જેક્શન મળી રહ્યા નથી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર.પાટીલને કેવી રીતે મળ્યા તે અંગે તપાસ થવી જોઇએ