રિવર ફ્રન્ટની જેમ જનમાર્ગ કંપનીના હિસાબોમાં અનિયમિતતા
ગુરુવાર, 6 સપ્ટેમ્બર 2018 (12:28 IST)
અમદાવાદ મ્યુનિ.ની રિવરફ્રન્ટ કંપનીની જેમ જ બીઆરટીએસની પરિવહન સેવા માટે રચાયેલી જનમાર્ગ કંપનીમાં પણ હિસાબોની પદ્ધતિ યોગ્ય નહી હોવાની ટીકા ઇન્ટરનલ ઓડિટરના રિપોર્ટમાં કરાઈ છે. જંગી ખોટ કરતી આ કંપની ચલાવવી મુશ્કેલ હોવાનું ઓડિટરે જણાવતા જણાવતા મ્યુનિ. જરૂરી આર્થિક સહાય કરે જ છે અને કરતી રહેશે તેમ જણાવ્યું છે. જો કે કોઈ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન કંપની હંમેશા ખોટમાં જ ચાલતા હોય છે. આ અંગે એક મુદ્દો એવો ઉભો થયો છે કે, મ્યુનિ.એ જનમાર્ગના પ્રમોટર તરીકે રૂા. ૫૮ કરોડ આપ્યા હતા તેની સામે મ્યુનિ.ને તેટલી રકમના શેર નતી ઇસ્યુ થયા કે નથી તેનો યોગ્ય રીતે હિસાબ રખાયો. આ અંગે ટીકા કરી વિપક્ષના નેતાએ ઉમેર્યું છે કે, ઓડિટ રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે, સપ્ટેમ્બર- ૨૦૧૬થી જનમાર્ગ કંપની દ્વારા પેસેન્જર ટેક્સનું એકાઉન્ટિંગ કરાયું નથી. એટલે કે ટેક્સની આ નાણાં સરકારમાં ભરાવા જોઈએ તે ભરાતા નથી. ઉપરાંત કંપની અને સરકાર વચ્ચે જીએસટીના મુદ્દે રૂા. ૭ કરોડ જેવી મોટી રકમનો વિવાદ છે. મ્યુનિ.ની કંપની રૂા. ૯.૧૧ કરોડ જીએસટીના રીફંડની વાત કરી રહેલ છે તેની સામે જીએસટી ઓથોરિટી માત્ર રૂા. ૨.૪૯ કરોડના રિફંડની વાત જ કરે છે. આમ બન્ને વચ્ચે રૂા. ૬.૬૨ કરોડનો મોટો વિવાદ છે. બીઆરટીએસ વર્ષે ૫૪ કરોડનું જંગી નુકસાન કરે છે, નવી બસ રોજના એક લાખનું નુકસાન કરે છે જો કે આ ખોટ એએમટીએસના પ્રમાણમાં ઘણી ઓછી છે. એએમટીએસના રોજના ૧ કરોડ લેખે વર્ષે ૩૦૦થી ૩૬૫ કરોડનું નુકસાન કરે છે. જો કે જનમાર્ગની આર્થિક સ્થિતિ વખાણવા લાયક તો નહી પણ કંગાળ જેવી છે. બીજી તરફ નાણાંકીય બાબતમાં યોગ્ય નિયંત્રણ પણ નથી. તેમજ જનમાર્ગની સ્થાવર મિલકતો કેટલી અને ક્યાં છે તેનું યોગ્ય રજીસ્ટર નથી. જો કે જનમાર્ગ કંપનીએ ઓડિટરના રિમાર્કસ પર એવો દાવો કર્યો છે કે, આ બાબતો સુધારી લેવાશે. મ્યુનિ.ની રિવર ફ્રન્ટ, સ્માર્ટ સિટી કંપની, હેરિટેજ ટ્રસ્ટ, મેડિકલ ટ્રસ્ટ- મેટ, નગરી ટ્રસ્ટ વગેરે તમામ સહયોગી સંસ્થાઓ અને કંપનીઓના હિસાબોમાં આ જ રીતે ઓડિટર દ્વારા ટીકા કરવામાં આવે છે. હમણાં જ રિવર ફ્રન્ટની મિટીંગમાં ઓડિટરે આકરી ટીકા કરી હતી. જો કે સંલગ્ન સંસ્થાઓના હિસાબોમાં મ્યુનિ.ના નાણાં રોકતા હોવાથી તેના હિસાબોને મ્યુનિ.ના ચીફ ઓડિટર પાસે ઓડિટ કરાવવા જોઈએ તેવી માગણી ઉઠવા પામી છે.