દાહોદ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ સુવિધાઓ થશે વધુ સુદ્રઢ , ૫૭૭ પ્રાથમિક શાળાઓમાં ૨૦૧૪ નવીન વર્ગખંડ માટેની મંજૂરી

શનિવાર, 24 સપ્ટેમ્બર 2022 (15:22 IST)
દાહોદ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ સુવિધાઓ વધુ સુદ્રઢ થવા જઇ રહી છે. જિલ્લાની ૫૭૭ પ્રાથમિક શાળાઓમાં ૨૦૧૪ નવીન વર્ગખંડ બનાવવા માટેની મંજૂરી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આપી દીધી છે. જે પૈકી ૫૫ પ્રાથમિક શાળાઓમાં રૂ. ૨૭૨૦ લાખના ખર્ચે તૈયાર થનારા ૧૯૭ વર્ગખંડોની કામગીરીનું ખાતમુહૂર્ત આગામી સપ્તાહે મહાનુભાવો દ્વારા કરાશે.
 
જિલ્લાની ૫૭૭ પ્રાથમિક શાળાઓમાં ૨૦૧૪ વર્ગખંડો નવા બનશે. જેમાં દાહોદ તાલુકાની ૧૧૮ પ્રાથમિક શાળાઓમાં ૪૨૬, દેવગઢ બારીયાની ૭૮ પ્રાથમિક શાળાઓમાં ૨૪૭, ધાનપુરના ૫૫ પ્રાથમિક શાળાઓમાં ૧૫૭, ફતેપુરામાં ૬૭ પ્રાથમિક શાળામાં ૨૧૫, ગરબાડાની ૭૨ પ્રાથમિક શાળાઓમાં ૨૭૮, લીમખેડાની ૪૨ પ્રાથમિક શાળાઓમાં ૧૫૦, સંજેલીની ૨૭ પ્રાથમિક શાળાઓમાં ૧૦૦, સિંગવડની ૨૧ પ્રાથમિક શાળાઓમાં ૮૭, ઝાલોદની ૯૭ પ્રાથમિક શાળાઓમાં ૩૫૪નવા વર્ગખંડો બનશે.
 
દાહોદ જિલ્લાના ૯ તાલુકાઓમાં કુલ ૧૬૪૭ પ્રાથમિક શાળાઓ છે. જેમાં ૩૪૫૩૦૪ બાળકો અભ્યાસ કરે છે. બાળકો વધુ સુવિધાપૂર્ણ વાતાવરણમાં અભ્યાસ કરી શકે તે માટે આ વર્ગખંડો સત્વરે તૈયાર કરાશે. જેમાંથી ૧૯૭ જેટલા ઓરડાઓનો વર્ક ઓર્ડર મળતા આગામી સપ્તાહ દરમિયાન મહાનુભાવો દ્વારા આ કામગીરીનું ખાતમુહૂર્ત કરીને પ્રારંભ કરાશે.
 
તદ્દનુસાર, દાહોદ તાલુકાની ૬ પ્રાથમિક શાળાઓમાં ૨૧ વર્ગખંડોરૂ. ૨૯૮ લાખ, ગરબાડા તાલુકાની ૧૧ પ્રાથમિક શાળાઓના ૫૦ વર્ગખંડો રૂ. ૬૯૫ લાખતેમજ  ઝાલોદ, સંજેલી તાલુકાની ૯ પ્રાથમિક શાળાઓમાં ૨૬ વર્ગખંડ રૂ. ૩૩૦ લાખ, સિંગવડ તાલુકાની ૧૧ પ્રાથમિક શાળાઓના ૩૯ વર્ગખંડો રૂ. ૫૪૭ લાખ, ધાનપુર તાલુકાની ૩ પ્રાથમિક શાળાઓમાં ૧૧ વર્ગખંડો રૂ. ૧૫૬ લાખઅને લીમખેડા તાલુકાની ૧૫ પ્રાથમિક શાળાઓમાં રૂ. ૬૯૫ લાખના ખર્ચે નવીન વર્ગખંડો તૈયાર કરાશે.
 
આ અંગેનો ખાતમુહૂર્ત કાર્યક્રમ તા. ૨૮ સપ્ટેમ્બર થી તા. ૩૦ સપ્ટેમ્બર સુધી ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારા, સાંસદ જસવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમન પ્રફુલ્લભાઇ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર