દાહોદમાં માતાના મૃત્યુ બાદ હિન્દુ અને ખ્રિસ્તી પુત્ર વચ્ચે અગ્નિદાહ અને દફનવિધિ માટે વિખવાદ થતાં પોલીસ બોલાવવી પડી

શનિવાર, 23 જુલાઈ 2022 (12:44 IST)
બે અલગ-અલગ ધર્મ પાળતા ભાઈઓ વચ્ચે માતાના મૃત્યુ બાદ અંતિમવિધિ મુદ્દે વિખવાદ થયાની ઘટના સામે આવી છે. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના દેવધા ગામે માતાના મૃત્યુ બાદ હિન્દુ અને ખ્રિસ્તી ધર્મ પાળતા બે ભાઈઓ બાખડી પડ્યા હતા. બાદમાં વાત વણસી જતા પોલીસ બોલાવવી પડી હતી. અંતે ગામના આગેવાનો તથા પોલીસની મધ્યસ્થિથી બંનેની આસ્થા જળવાય તેવા વચગાળાના રસ્તાના ભાગરૂપે માતાને હિન્દુ સ્મશાન નજીક દફનાવવામાં આવી હતી.દેવધા ગામના બચુભાઈ દેહદાને બે પુત્રો છે. જે પૈકી મોટો પુત્ર કેગુભાઈ બચુભાઈ દેહદા હિન્દુ ધર્મમાં માને છે જ્યારે તેમનો નાનો પુત્ર ભૂરચંદભાઈ બચુભાઈ દેહદાએ ખ્રિસ્તી ધર્મ અપનાવેલો છે. ગુરુવારે સાંજે બચુભાઈનાં ધર્મપત્ની 65 વર્ષીય સેનાબેનનું કુદરતી રીતે મૃત્યુ થયું હતું. તેમની અંતિમવિધિ બીજા દિવસે સવારે કરવાનું નક્કી કરવામાં આવ્યું. પરંતુ બંને ભાઈઓ અલગ અલગ ધર્મ માનતા હોઇ ભૂરચંદ ખ્રિસ્તી ધર્મ મુજબ પોતાની માતાને ખેતરમાં દફનાવવા માંગતો હતો જ્યારે કેગુભાઇ સ્મશાનમાં અગ્નિદાહ આપવા માગતો હતો. ભૂરચંદે પોતાના ખેતરમાં જેસીબી મશીન દ્વારા કબર ખોદાવીને કોફિન પણ મંગાવી લીધુ હતું. જોકે, તેનો કેગુભાઇ સહિતના ગ્રામજનો દ્વારા વિરોધ કરાયો હતો.પિતા બચુભાઇ અને માતા સેનાબેન નાના પુત્ર ભૂરચંદ પાસે રહેતાં હતાં. આ મામલામાં પિતા બચુભાઇ પુત્રોને જે મંજૂર હોય તે કરે કહીને ખસી ગયા હતા. બંને ભાઇઓ વચ્ચે માતાની અંતિમવિધિ મામલે પોતપોતાની વાત ઉપર અડગ રહેતાં વિવાદ એટલો વધી ગયો હતો કે પોલીસને જાણ કરવી પડી હતી. આ મામલે અંતે ગામનું પંચ ભેગું થયું હતું અને અંતિમવિધિ મામલે ગંભીરતાપૂર્વક વિચાર કરીને બંનેની આસ્થા જળવાઇ જાય તેવો વચગાળાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સેનાબેનને કોફિન વગર સ્મશાન પાસે દફનાવવાનો નિર્ણય કરાયો હતો. આ ઘટના આખા ગરબાડા પંથકમાં ચર્ચાનો વિષય બની હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર