અમદાવાદમાં ઓનલાઈન કરિયાણું ખરીદતાં મહિલાએ 5 હજારની ખરીદીની સામે 49 હજાર રૂપિયા ગુમાવ્યા, પોલીસે તપાસ શરૂ કરી

શનિવાર, 23 જાન્યુઆરી 2021 (12:16 IST)
અમદાવાદ શહેરના સાયબર ક્રાઇમ પોલીસ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક મહિલાએ જણાવ્યું છે કે તે ઓનલાઈન કરિયાણું ખરીદવા ગઈ ત્યારે તે ઠગાઈનો ભોગ બની હતી. માત્ર ભૂલ તેની એટલી જ હતી કે તેમણે ગૂગલ પર કસ્ટમર કેર નમ્બર શોધ્યો હતો. ગુગલ પર સૌથી વધારે સર્ચ થયેલી માહિતી સૌ પ્રથમ દેખાતી હોય છે પણ તે સર્ચ એન્જીન ઓપટીમાઇઝેશન કહેવાય છે. એટલે કે જે વધુ સર્ચ થાય તે પહેલા બતાવવામાં આવે પણ તે પ્રમાણિત કરેલી માહિતી કે લિંક છે કે નહીં તે સહુ કોઈએ ધ્યાન રાખવું જોઈએ. આ મહિલાએ 5 હજારની ખરીદીની સામે 49 હજાર રૂપિયા ગુમાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. 
 
નારોલમાં રહેતા 25 વર્ષીય અનામીકાબહેન પીપલજ રોડ પરની એક્સપોર્ટ કંપનીમાં એક્સપોર્ટ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવે છે. ગત ઓગસ્ટ માસમાં તેઓએ રાત્રે ગ્રોફર નામની એપ્લિકેશનથી રૂ.5623 નું કરિયાણું ઓનલાઈન ગૂગલ પે થી ઓર્ડર કર્યું હતું. ચાર દિવસ બાદ આ એપ્લિકેશનમાં જોયું તો ઓર્ડર ડિલિવર થઈ ગયો હોવાનું બતાવ્યું હતું જોકે તેઓને કોઈ સામાન મળ્યો ન હતો. જેથી ગૂગલમાં ગ્રોફર નો કસ્ટમર કેર નમ્બર સર્ચ કરતા એક નમ્બર મળ્યો હતો. આ નમ્બર પર ફોન કરતા હિન્દી ભાષી વ્યક્તિએ ફોન ઉપાડી તેમના સિનિયર વાત કરશે તેમ જણાવ્યું હતું.
 
બાદમાં એક વ્યક્તિનો ફોન આવ્યો અને તેણે જણાવ્યું કે એરર આવવાના કારણે સામાન ડિલિવર બતાવે છે પણ તે ઓર્ડર કેન્સલ થયેલ છે. આ વ્યક્તિએ રિફંડ મેળવવા માટે એક લિંક આવશે તેમાં જણાવ્યા મુજબ પ્રોસેસ કરવાનું કહેતા એસએમએસ માં જે લિંક હતી તેમાં જરૂર મુજબની વિગતો આ મહિલાએ ભરી હતી. બાદમાં any desk  નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવતા જ આ મહિલાના ખાતામાંથી બે અલગ અલગ ટ્રાન્ઝેક્શન થયા હતાં ને કુલ 49,998 રૂપિયા ઊપડી ગયા હતા. સમગ્ર મામલે સાયબર ક્રાઇમનો સંપર્ક કરી અરજી આપતા હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર