રાજ્યમાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો બીજી સતત કમોસમી વરસાદના લીધે ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું છે. રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગામી 3 દિવસ હજુપણ થન્ડરસ્ટોર્મની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનને કારણે વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે. દરિયામાં ભેજનું પ્રમાણ વધતાં આ ફેરફાર જોવા મળ્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે. આ દરમિયાન 40 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદ શહેરમાં પણ વાદળ છાયુ વાતાવરણ રહેશે, તથા તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે.