રાજ્યમાં હવે ધીમે ધીમે શિયાળો જામી રહ્યો છે જેના પગલે ઠંડીનો દૌર શરૂ થઇ ગયો છે. ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ડિસેમ્બરના અંતિમ અઠવાડિયા સુધીમાં ઠંડીનું જોર વધશે પરંતુ તાપમાનમાં વધુ ફેરફાર જોવા મળશે નહી. લઘુત્તમ તાપમાનમાં હજુ 1થી 2 ડિગ્રીનો ફેરફાર થઈ શકે છે. તો રાજયમાં લઘુતમ તાપમાન 10 ડીગ્રી આસપાસ રહી શકે છે. પવનની ગતિ 15 થી 20 કિમી પ્રતિ કલાકની રહેશે.
કારણ કે, ડિસેમ્બર મહિના દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ આવે છે, લોકલ લેવલે વાતાવરણમાં મોટા પાયે ફેરફાર થાય છે. શિયાળાની સિઝનમાં જાન્યુઆરી સૌથી ઠંડો મહિનો હોય છે. કારણ કે, જાન્યુઆરીનું એવરેજ મિનિમમ તાપમાન 12.4 ડિગ્રી જયારે ડિસેમ્બરનું એવરેજ તાપમાન 13.4 ડિગ્રી હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે માઉન્ટ આબુમાં કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી સુધી પહોંચ્યું છે. કડકડતી ઠંડીમાં પર્યટકો આનંદ માણી રહ્યા છે. ત્યારે ઠંડીને લીધે પહાડો વચ્ચે અદભૂત નજારો સર્જાયો છે. જેનો લ્હાવો સહેલાણીઓને મળી રહ્યો છે. જોકે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ વધુ ઠંડી વધશે. ઠંડીની ઋતુમાં મોટી સંખ્યામાં પર્યટકો આબુ પહોંચ્યા છે. ખૂબસુરત વાતાવરણ વચ્ચે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.