Cyclone- ગુજરાતના મહા વાવાઝોડાની છેલ્લી સ્થિતિ: એરફોર્સના 10 હેલિકોપ્ટર તથા ત્રણ જહાજને તૈયાર રખાયા

મંગળવાર, 5 નવેમ્બર 2019 (17:37 IST)
ગુજરાત ઉપર મહા વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. સમગ્ર દેશ અને દુનિયાની નજર મહા વાવાઝોડા પર છે. એક બાજુ હવામાન ખાતુ અને સરકારના અધિકારીઓ એવા દાવા કરી રહ્યા છે કે ખતરનાક ગણાતું મહા નામનું વાવાઝોડું નબળું પડી ગયું છે અને ગુજરાત પર કોઈ આફત નથી. જોકે છેલ્લા પાંચ દિવસ દરમિયાન સરકારી તંત્ર દ્વારા અવારનવાર અલગ અલગ નિવેદનો જારી કરાયા હતા.

દરમિયાન સરકાર દ્વારા ઊભી થનારી પરિસ્થિતિને પહોંચી વળવા માટે અગાઉ એન ડી આર એફ ની 15 ટીમ તેનાત કરી હતી ત્યાર બાદ ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા ફરીથી બીજી વધુ 15 ટીમને બોલાવી છે. બીજી બાજુ આજે પણ સરકાર અને હવામાન ખાતાના અધિકારીઓ તરફથી જે નિવેદનો જારી કરાઈ રહ્યા છે. તેમાં પણ કોઈ જાતની સ્પષ્ટતા નથી. વાવાઝોડાની ઝડપમાં ઘટાડો થઈ રહ્યા હોવાના દાવા કરાઈ રહ્યા છે તેમજ વાવાઝોડું નબળું પડી ગયું છે. એવી વાતો થઇ રહી છે.

આવી સ્થિતિ વચ્ચે પણ સરકારે એરફોર્સના 10 હેલિકોપ્ટર અને કોસ્ટ ગાર્ડના 7 વિમાનો તેમજ ત્રણ જહાજને કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રાખ્યા છે. ઉપરાંત ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્કમાં છે. એટલું જ નહીં ઇન્ડિયન એરફોર્સ નેવી તથા કોસ્ટ ગાર્ડ સાથે પણ સ્થિતિનું સતત મોનીટરીંગ કરી રહ્યા છે.

હવામાન ખાતાના સુત્રો જણાવે છે કે સાતમી નવેમ્બરે વહેલી સવારે મહા નામનું વાવાઝોડું પોરબંદર અને દીવના દરિયા કિનારા વચ્ચે ત્રાટકે એવી પૂરી શક્યતાઓ છે. હાલમાં પોરબંદર થી આ વાવાઝોડું 660 કિલો મીટર દૂર છે તેમજ વાવાઝોડાની ઝડપ 100 કિલોમીટર જેટલી છે. વાવાઝોડાનો ઘેરાવો પણ 600 કિલોમીટરનો હોવાની ધારણા છે.

ગુજરાત સરકાર દ્વારા પણ આવનારી કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં આવી છે. દરિયાકાંઠાની આસપાસના 17 ગામને એલર્ટ કરાયા છે એટલું નહીં જ્યાં જોખમ રહેલું છે તેવા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતના અછત અને રાહત કમિશનરે પણ રાજ્યના તમામ જિલ્લા કલેકટરને સંભવિત વાવાઝોડાને પગલે પોતાના વિસ્તારમાં કેવી વ્યવસ્થા કરી તેની સૂચના આપી દીધી છે. તમામ અધિકારીઓની રજા અને રદ કરી દેવાઈ છે તેમ જ સમગ્ર તંત્રને હાઈએલર્ટ પર મુકી દેવાયું છે.

હવામાન ખાતાના સૂત્રો જણાવે છે કે મહા નામનું વાવાઝોડું નબળુ પડી જાય એવી પૂરી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે. જો મહા વાવાઝોડું દરિયા કાંઠે આવીને ડિપ્રેશનમાં પલટાઈ જશે તો પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે અને જો વાવાઝોડું નબળું ન પડે અને પૂરી તાકાતથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકશે તો પોતાના નામ પ્રમાણે જ મહા વાવાઝોડું મહા વિનાશ વેરી શકે છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર