રાજ્યના ખેડૂતોને તાઉ-તે વાવાઝોડામાં નાશ પામેલા પાક માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. હવે સરકારે ખેડૂતોને પાક ધિરાણની રકમ ચૂકવવામાં રાહત આપી છે. રાજ્યની કોઈપણ બેંકમાંથી ખેડૂતોએ લીધેલા પાક ધિરાણની રકમ ભરપાઈ કરવાની સમય મર્યાદાની મુદ્દત 30 જુન સુધી લંબાવવામાં આવી છે. આ ધિરાણ ચુકવવામાં રાજ્ય સરકારની 4 ટકા વ્યાજ રાહત પણ સરકાર ચૂકવશે.
રાજ્ય સરકાર ખેડૂતો પરના વ્યાજ રાહતનો વધારાનો અંદાજિત 241.50 કરોડ રૂપિયાનો ખર્ચ ભોગવશે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કૃષિ સહાય પેકેજ પેટે રૂ. 500 કરોડ કરોડની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, 33 ટકા નુકસાન હશે તેવા ખેડૂતના તમામ બાગાયતી પાકના વૃક્ષો નાશ પામ્યો હોય તો હેકટરદીઠ રૂ.1 લાખ મહત્તમ બે હેકટર સુધી અપાશે. તેમણે કહ્યું કે, બાગાયતી પાકમાં વૃક્ષ ઊભું હોય પણ પાક ખરી ગયો હોય તો 30 હજાર પ્રતિ હેકટરદીઠ, ઉનાળું પાક જેવા કે બાજરો,કઠોળ સહિતના પાકમાં 20 હજાર પ્રતિહેકટરદીઠ અપાશે. ખેડૂતને સહાય એક અઠવાડિયામાં તેમના બેંક ખાતામાં જમા થશે. મુખ્યમંત્રી રૂપાણીએ આ નિર્ણયની ભૂમિકા આપતાં કહ્યું કે, તાઉ-તે વાવાઝોડાની વ્યાપક અસર ગીરસોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ એ પાંચ જિલ્લાઓ સાથે દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ, ભરૂચ જિલ્લાઓમાં પણ થઈ છે અને રાજ્યના 86 તાલુકાઓમાં અંદાજે બે લાખ હેક્ટર વિસ્તારના કૃષિ અને બાગાયત પાકોને વ્યાપક નુકસાન થયું છે. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, આંબા, નાળીયેરી, ચીકુ, લીંબુ જેવા બહુ વર્ષાયુ ફળાઉ વૃક્ષ પડી જવાના કે મૂળ સહિત ઉખડી જવાથી કાયમી નાશ પામવાના કિસ્સામાં રાજ્ય સરકારે પહેલીવાર હેક્ટર દિઠ મહત્તમ રૂ. એક લાખની ઐતિહાસિક સહાય, બે હેક્ટરની મર્યાદામાં આપવાનો નિર્ણય કર્યો છે.