સુરતમાં એક પાંચ વર્ષીની બાળકી રમતાં-રમતાં વીંટી ગળી ગઈ હતી. દીકરી વીંટી ગળી જતાં પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. એમાં તપાસ કરતા વીંટી અન્નનળીમાં ફસાઈ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે તબીબોએ તાત્કાલિક બાળકીને સારવાર કરાવ્યા બાદ ઓપરેશન કરી દૂરબીનની મદદથી 1 કલાકથી વધુ સમયની મહેનત બાદ વીંટી બહાર કાઢી હતી.
મૂળ ઓડિશાના વતની અને હાલ પાંડેસરા વિસ્તારમાં રહેતા બલરામ મહંતોની 5 વર્ષીય પુત્રી મનસ્વી મંગળવારે ઘરે રમત રમતી હતી. આ દરમિયાન દીકરી રમતાં-રમતાં પોતાના જમણા હાથની આંગળીમાં પહેરેલી તાંબાની વીંટી મોઢામાં નાખી હતી. ત્યારે અચાનક બાળકીથી વીંટી ગળાઈ જતાં ગળામાં દુખાવો શરૂ થયો હતો. બાળકી વીંટી ગળી ગઇ હોવાની જાણ થતાં પરિવાર ચોંકી ઊઠ્યો હતો. ચિંતામાં મુકાઈ ગયો હતો. ત્યાર બાદ પરિવાર બાળકીને લઈ તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યો હતો.સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગમાં તબીબોએ એક્સ-રે સહિતની જરૂરી તપાસ કરતાં વીંટી અન્નનળીમાં ફસાયેલી હોવાનું દેખાયું હતું. ફસાયેલી વીંટીને લઇ બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. એને લઇ તેની તબીબો દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરાઈ હતી. બાળકીનું ઓપરેશન કરવાની પણ તબીબોએ તૈયારી શરૂ કરી દીધી હતી.