કોરોના વાઈરસના બે શંકાસ્પદ દર્દી અમદાવાદની SVP હોસ્પિટલમાં દાખલ
શનિવાર, 8 ફેબ્રુઆરી 2020 (15:39 IST)
ચીનમાં હાહાકાર મચાવનારો કોરોના વાઈરસ હવે ગુજરાતમાં આવી ગયો છે. ચીનથી આવેલા બે દર્દી હાલ SVPમાં દાખલ છે. તેમજ બન્નેના બ્લડ સેમ્પલ પૂણે લેબમાં મોકલવામાં આવ્યા છે. આ બન્ને વ્યક્તિમાંથી એકનો રિપોર્ટ પોઝિટીવ અને એકનો નેગેટિવ આવ્યો હોવાની શક્યતા છે. આ અંગે AMCના હેલ્થ વિભાગના અધિકારી ડૉક્ટર ભાવિન સોલંકીએ Webdunia સાથેની વાતીચીતમાં જણાવ્યું હતું કે, અમદાવાદની SVP હોસ્પિટલમાં બે શંકાસ્પદ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે, જેમના લોહીના પરીક્ષણ માટે બ્લડ સેમ્પલ લઈ પૂનાની લેબમાં મોકલી આપ્યા છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ચીનથી પરત ફર્યા બાદ આ બન્ને વ્યક્તિમાં કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમને આઇસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. ગઈકાલે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ આ બંને દર્દીઓના સેમ્પલ પૂનાની વાઈરોલોજી લેબમાં મોકલવામાં આવ્યા છે. આ બંને દર્દીઓમાં એક વ્યક્તિ પહેલા અનેક લોકોના સંપર્કમાં આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે, ત્યારે જો તે વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવશે તો અન્ય લોકોમાં પણ આ વાઈરસ ફેલાવાની શક્યતા છે.