મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બોડેલીના વરસાદથી અતિ પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા.ભુપેન્દ્ર પટેલ બોડેલીના અસરગ્રસ્તોને મળ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી હતી અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા બચાવ રાહત કાર્યો, આશ્રય સ્થાનોની વ્યવસ્થા અંગે વિગતો મેળવી હતી. ભૂપેન્દ્ર પટેલ બોડેલીના વર્ધમાન નગર વસાહતના અસરગ્રસ્તોને રૂબરૂ મળ્યા અને વરસાદે વેરેલા નુક્સાનની વિગતો જાણી હતી.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં બે દિવસ પહેલા રેકોર્ડબ્રેક 22 ઇંચ વરસાદ ખાબકતાં તબાહીનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. બોડેલીના રજાનગરનાં ઘરોમાં પાણી ઘૂસી જતાં અનાજ, ટીવી અને ફ્રિજ સહિતનો તમામ સામાન પાણીમાં પલળી ગયો હતો. કેટલોક સામાન તો વરસાદના પાણીમાં તણાઈ પણ ગયો હતો.
છોટાઉદેપુર જિલ્લામાં રવિવારે વહેલી સવારથી મેઘરાજાએ તાંડવ કર્યું હતું. વહેલી સવારથી વરસવાનું ચાલુ કરતાં જ સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. બોડેલીમાં 22 ઇંચ વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારમાં લોકોનાં ઘરો અને દુકાનોમાં પાણી ભરાયાં હતાં, જ્યારે વાહન વ્યવહારથી ધમધમતી અલીપુરા ચોકડી નદીના રૂપમાં ફેરવાઇ હતી. બોડેલી બાદ કવાંટમાં 17 ઈંચ, પાવીજેતપુરમાં 15 ઇંચ અને છોટાઉદેપુરમાં 13 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે સૂકીભઠ્ઠ જિલ્લાની ઔરસંગ, હેરણ અને અશ્વિની નદી બે કાંઠે થઇ ગઇ હતી. ભારે વરસાદને કારણે માર્ગો તૂટી જવાને કારણે વ્યવહાર બંધ થયો હતો, જ્યારે વરસાદી પાણીમાં ડૂબેલા 5700 લોકોનું સ્થળાંતર કરાયું હતું અને 369 જેટલા લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.