વર્ષ 2020 માં રાજકીય પ્રતિસ્પર્ધાના કારણે હિરેન પટેલનું કાર દ્વારા કચડીને હત્યા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીનું પૂરું નામ ઈરફાન પાડા છે. તે ગોધરા સાબરમતી એક્સપ્રેસ ટ્રેન હત્યાકાંડ કેસમાં પણ દોષિત છે. તેને કોર્પોરેશનના કાઉન્સિલરની હત્યાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જે બાદ પાડાએ હિરેન પટેલની દિનચર્યાની રેકી કરી અને 27 સપ્ટેમ્બર 2020ના રોજ સવારે હિરેન ફરવા માટે નીકળ્યો ત્યારે તેણે તેની કારથી હિરેનને કચડી નાખ્યો. પોલીસે તેની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર ઈરફાન ફોન સર્વેલન્સ દ્વારા પકડાયો છે. આ સમગ્ર મામલો રાજકીય કિન્નાખોરીનો છે. આ હત્યાનો કોન્ટ્રાક્ટ દાહોદના પૂર્વ સાંસદ બાબુભાઈ કટારાના પુત્ર અમિત કટારાએ ઈમરાનને આપ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ઈમરાને મોહમ્મદ સમીર, સજ્જન સિંહ ઉર્ફે કરણ, ઈરફાન અને અજય સાથે મળીને આ હત્યાને અંજામ આપ્યો હતો. ગુજરાત ATSએ ઈમરાનની ધરપકડ કરી હતી. ઈમરાને ઈરફાન વિશે માહિતી આપી હતી. પોલીસે ઈરફાન વિશે કોર્ટને માહિતી આપી છે. પોલીસના જણાવ્યા અનુસાર, 2020માં ઝાલોદ નગરપાલિકામાં કોંગ્રેસની સત્તા હતી, અમિત કટારાની પત્ની કિંજલ તેના પ્રમુખ હતા. 26મી ઓગસ્ટે ચૂંટણી યોજાવાની હતી તે પહેલા હિરેન પટેલે કોંગ્રેસના કાઉન્સિલરોને પોતાની સાથે જોડાયા હતા અને ચૂંટણી પહેલા જ હિરેન પ્રવાસે નીકળી ગયા હતા. યોજના મુજબ કોંગ્રેસના કાઉન્સિલરોએ પક્ષ વિરુદ્ધ કામ કરી સોનલબેનને પાલિકાના અધ્યક્ષ બનાવ્યા હતા જ્યારે અપક્ષ મહિલા કાઉન્સિલરને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. કોંગ્રેસના કાઉન્સિલરોના પક્ષપલટાના કારણે નગરપાલિકામાં ભાજપ સત્તા પર આવ્યું, જે અમિત કટારા સહન કરી શક્યા નહીં અને તેથી અમિતે અજય કલાલ સાથે મળીને પટેલની હત્યાનું કાવતરું ઘડ્યું.