ગાંધીધામની શાળાના પુસ્તકમાં ગૌમાંસ ખાવાના ઉલ્લેખનો વિવાદ વકર્યો, શાળાએ માગવી પડી માફી

બુધવાર, 20 માર્ચ 2024 (13:31 IST)
A controversy arose over the mention of eating beef

ગાંધીધામની GD ગોયન્કા ટોડલર હાઉસની એક લાપરવાહીથી વિવાદ સર્જાયો હતો. સ્કૂલના બાળકોને ભણાવવામાં આવતા એક પેમ્પફ્લેટમાં 'ગૌમાંસ ખાઈ શકાય'નું ભૂલથી લખાણ લખાયું હોવાનો ફોટો વાઇરલ થયો હતો. જે મામલો બહાર આવતા વિવાદ સર્જાયો હતો. જોકે અંતે સ્કૂલ સંચાલકે ટાઇપિંગ મિસ્ટેકના કારણે વિવાદ થયો હોવાનું સ્વિકારી માફી માગી હતી.

ગાંધીધામની GD ગોયન્કા ટોડલર હાઉસમાં આજરોજ એક પેમ્પફ્લેટમાં લખેલા લખાણની એક ભૂલના કારણે વિવાદ સર્જાયો હતો. નાના બાળકોને એક પેમ્પફ્લેટ દ્વારા ગાય વિશે ભણાવવામાં આવતું હતું. જેમાં ઉપર ગાયનું ચિત્ર દોરેલું હતું અને નીચે લખાણ લખેલું હતું કે, આ એક કાળા અને ધોળા પટ્ટા વાળી ગાય છે. તેને ઘાસ ખાવું ગમે છે. આપણે ગાયનું દુધ પીએ છીએ. આપણે તેનું માંસ ખાઈ શકીએ છીએ. તેના માથે બે શિંગડા હોય છે અને તે ફાર્મમાં રહે છે. આ લખેલું વિવાદીત લખાણ વાલીઓના ધ્યાનમાં આવતા આક્રોશ ફેલાયો હતો.

ગૌરક્ષક રાજભા ગઢવી દ્વારા શાળા સંચાલકોને મળી આ બાબતે સવાલ કર્યો હતો, પરંતુ ગૌમાંસ ખાવા અંગે કોઈને શિખવાડવામાં ન આવતું હોવાનું શાળાના પ્રિન્સીપાલે જણાવ્યું હતું અને સાથે તેમના સ્કૂલમાં લગાવેલા CCTV દ્વારા સમગ્ર મામલા પરથી પડદો હટ્યો હતો. જ્યાં CCTVમાં સ્પષ્ટ સંભળાતું હતું કે, નાના બાળકોને ભણાવતા શિક્ષકો પેમ્પફ્લેટમાંથી જોઈ બાળકોને સવાલ પુછી રહ્યાં હતા કે, આપણે ગૌમાંસ ખાવું જોઈએ?. જેના જવાબમાં બાળકોએ ના કહી હતી. જે બાદ શિક્ષકોએ બાળકોને ભણાવતા કહ્યું હતું કે, આપણે ફક્ત ગૌમાંસ જ નહીં અન્ય કોઈ પ્રાણીનું માંસ ન ખાવું જોઈએ.બાળકોને ગૌમાંસ ન ખાવા માટે જ શિખવાડવામાં આવતું હતું. પરંતુ પેમ્પફ્લેટમાં વાક્યના અંતે '?' નહીં ઉમેરવાના કારણે થયેલી ટાઈપિંગ મિસ્ટેકના કારણે વિવાદ સર્જાયો હતો. જો કે આ અંગે શાળા દ્વારા માફીપત્ર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને પ્રિન્સિપાલ આંચલ નાનકાની દ્વારા પોતાની સ્કૂલના CCTV ફુટેજમાં બાળકોને માંસ ન ખાવા શીખવવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર