અમદાવાદીઓને ઓગસ્ટ પહેલા મળશે મેટ્રોની સુવિધા, સુભાષબ્રિજથી સાબરમતી સુધી મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન કરાયું

ગુરુવાર, 28 જુલાઈ 2022 (16:42 IST)
અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સુવિધા ઓગસ્ટ સુધી મળી શકે છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં મેટ્રો ટ્રેનને અમદાવાદમાં દોડતી કરી દેવાશે. હાલમાં વિકાસ કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આજે સુભાષબ્રિજથી સાબરમતી સુધી મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન કરવામાં આવ્યું. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2નો કુલ ખર્ચ રૂ.5.384 કરોડ છે. ફેઝ-2ના કોરિડોર-1 ની લંબાઇ મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી 22.8 કિલોમીટરની છે. જેને ભવિષ્યમાં અમદાવાદ એરપોર્ટ સાથે જોડવા માટેનું આયોજન છે.અમદાવાદમાં આગામી ઓગસ્ટ મહિનામાં મેટ્રો રેલ ફેઝ 1ના થલતેજથી વસ્ત્રાલ સુધી મેટ્રો ટ્રેન શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. એક સપ્તાહ પહેલાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા થલતેજથી કાંકરિયા સુધીના રૂટ પર મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો. સાબરમતી નદી પરથી મેટ્રો ટ્રેન પસાર થઈ હતી, જેનો વીડિયો નાગરિકે સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. 
 
મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન શરૂ કરી દેવામાં આવતાં આગામી મહિને થલતેજથી વસ્ત્રાલ સુધી મેટ્રો ટ્રેન શરૂ થાય એવી પૂરી શક્યતા છે.મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કામાં ગ્યાસપુર ડેપોથી મોટેરા મેટ્રો સ્ટેશન સુધીનો સમાવેશ થાય છે. ગ્યાસપુર ડેપોનું કામ પૂર્ણ થઇ ગયેલ છે તથા મેટ્રો ટ્રેનના ટ્રાયલની શરૂઆત ગ્યાસપુર ડેપોથી જીવરાજ સુધી માર્ચ, 2022માં કરવામાં આવી હતી.

ત્યાર બાદ તેને લંબાવીને વિજયનગર સુધી ટ્રાયલ કરવામાં આવી હતી. 20 મે 2022ના રોજ ગ્યાસપુર ડેપોથી મોટેરા મેટ્રો સ્ટેશન સુધી મેટ્રો ટ્રેનનું ટ્રાયલ હાથ ધરાયું હતું.આ ટ્રાયલ દરમિયાન મેટ્રો ટ્રેન APMC, જીવરાજ, રાજીવનગર, શ્રેયસ, પાલડી, ગાંધીગ્રામ, જૂની હાઈકોર્ટ, ઉસ્માનપુરા, વિજયનગર, વાડજ, રાણીપ, એઈસી, સાબરમતી મેટ્રો સ્ટેશનથી પસાર થઈને મોટેરા મેટ્રો સ્ટેશન પર પહોંચી હતી. તમને જણાવી દઇએ કે, અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-1 માં બે કોરિડોર છે. એક નોર્થ-સાઉથ કોરિડોર અને બીજો ઇસ્ટ-વેસ્ટ કોરિડોર છે. નોર્થ-સાઉથ કોરિડોર ગ્યાસપુર ડેપોથી મોટેરા, ઇસ્ટ-વેસ્ટ કોરિડોર થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર