PM મોદીના હસ્તે ખેડૂતોની જીવાદોરી સમાન સાબર ડેરીના કરોડોના પ્લાન્ટનું લોકાર્પણ

ગુરુવાર, 28 જુલાઈ 2022 (13:04 IST)
PM મોદીના હસ્તે આજે ગુજરાતની જનતાને વધુ એક ભેટ આપવામાં આવી. PM મોદીએ આજે સાબર ડેરી ખાતે રૂપિયા 305 કરોડના ખર્ચે બનેલ નવનિર્મિત પાવડર પ્લાન્ટ, 125 કરોડના ખર્ચે નિર્મિત કરાયેલ ટેટ્રાપેક અને રૂપિયા 600 કરોડના ખર્ચે તૈયાર થનારા ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું છે. ગુજરાતના પશુપાલકોની આવક વધારવાની દિશામાં સરકારનું આ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. જેનાથી સાબરકાંઠાના પશુપાલકોને વાર્ષિક રૂ. 700 કરોડની આવક થશે.

CM ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવા નવતર અભિગમ અને નીતિઓ સાથે કામગીરી કરી રહી છે.ડેરીમાં આજે 1798 દૂધ મંડળીઓ કાર્યરત છે. 1964-65માં માત્ર 19 દૂધ મંડળીથી શરૂઆત થઈ હતી. 29 સભાસદો સાથે શરૂ થયેલી ડેરીમાં આજે 3,84,986 સભાસદો છે. 1964-65માં 0.05 લાખ લિટર દૂધ સંપાદનથી સાબર ડેરીની શરૂઆત થઈ હતી. આજે ડેરીમાં દૈનિક સરેરાશ 33.27 લાખ લિટર પ્રતિદિન દૂધનું સંપાદન થઇ રહ્યું છે.ગુજરાતમાં 24 સહકારી ડેરીઓ દ્વારા અત્યારે દૈનિક 250 લાખ લિટર દૂધ પ્રોસેસ કરવામાં આવે છે. જેમાંથી 5માં ભાગનું દૂધ પ્રવાહી તરીકે ઉપયોગમાં લેવાય છે જ્યારે બાકીના દૂધનો ઉપયોગ પાવડર, બટર, પનીર અને ચોકલેટ સહિતના ઉત્પાદનો બનાવવામાં થાય છે. સહકારી માળખા મારફતે ગુજરાતમાં દૂધનો વાર્ષિક વ્યવસાય અંદાજે 60 હજાર કરોડનો છે.સાબર ડેરી એ સાબરકાંઠા ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. સાબર ડેરી એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની સૌથી ઝડપથી વિકસતી ડેરી બની છે. પ્રતિદિન 40 લાખ લિટર દૂધ પ્રોસેસિંગ કરવાની સાબર ડેરી ક્ષમતા ધરાવે છે. સાબરદાણનું વેચાણ આજે 393.34 મે.ટન સુધી પહોંચ્યું છે. ડેરી દ્વારા 1964-65માં પશુપાલકોને પ્રતિ કિલો ફેટના રૂ.1.10 અપાતા હતા જ્યારે આજે ડેરી દ્વારા પશુપાલકોને પ્રતિ કિલો ફેટએ 860 રૂપિયા અપાય છે. સાબર ડેરી સાથે જોડાયેલી મહિલા પશુપાલકોનો પણ ડેરીના વિકાસમાં સિંહ ફાળો રહ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર