ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં રાજકીય ગતિવિધિઑ તેજ બની છે. બેઠક, મિટિંગ, નિમણૂક, રાજીનામાંની બરોબરની મૉસમ ખીલી છે. તેવામાં જામનગરના ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું છે. તેમણે આગામી વિધાનસભાની ચૂંટણીમાં જામનગરમાં દાવેદારી કરવાનું જણાવી જામનગર જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ પદેથી મુક્તિ માંગી છે. જેને લઈને રાજકારણ ગરમાયું છે.
જામનગર મહિલા કોંગ્રેસ પ્રમુખપદેથી નયનાબા જાડેજાએ રાજીનામાંની માંગ સાથે ગુજરાત પ્રદેશ મહીલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેણ ઠુમ્મરને પત્ર લખ્યો છે. તેમણે જણાવ્યું કે હું જામનગર જિલ્લા પ્રમુખ તરીકે ફરજ બજાવું છું અને જામનગર 78 વિધાનસભાની સીટ પરથી દાવેદારી કરવા રસ ધરાવું છું જેથી મારા વિસ્તારમાં કામ કરી શકું તે માટે કામગીરીમાંથી મુક્ત કરવા માંગ કરી છે. 78 વિધાનસભા સીટ પર ચૂંટણી લડવા માંગતા હોવાથી તે માટેની તૈયારીમાં જોડાયા છે. આથી તેમણે જવાબદારીમાંથી મુક્તિ માંગી છે.