ગુડ્ડુ મુસ્લિમ કોણ છે, જેનું નામ અતીકના ભાઈ અશરફે ફાયરિંગ પહેલાં લીધું હતું

મંગળવાર, 18 એપ્રિલ 2023 (09:42 IST)
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ભૂતપૂર્વ સાંસદ અતીક અહમદ અને તેમના ભાઈ અશરફ અહમદની શનિવારે રાત્રે પોલીસની હાજરમાં ત્રણ હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી.
 
જ્યારે પોલીસ બંને ભાઈઓને મેડિકલ ચેક-અપ માટે કાલ્વિન હૉસ્પિટલ લઈ જઈ રહી હતી એ દરમિયાન જ બંનેની હત્યા થઈ હતી. પોલીસે ત્રણેય હુમલાખોરોની ધરપકડ કરી લીધી હતી.
 
બંનેની હત્યાના બે દિવસ પહેલાં જ અતીક અહમદના પુત્ર અસદ અને તેના સાથી ગુલામ મોહમ્મદનું ઉત્તરપ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે ઝાંસીમાં કથિત ઍન્કાઉન્ટર કર્યું હતું.
 
ફાયરિંગના અમુક સેકંડ પહેલાં જ અતીક અહમદે મીડિયા સાથે વાત કરી હતી. એ બાદ તેમના ભાઈ અશરફે કૅમેરા પર ગુડ્ડુ મુસ્લિમ નામની એક વ્યક્તિ વિશે કંઈક કહેવાની શરૂઆત કરી હતી. પરંતુ એ દરમિયાન જ હુમલાખોરે અતીક અહમદના લમણે પિસ્તોલ મૂકીને ફાયરિંગ કરી દીધું.
 
ફાયરિંગ થયાના તરત બાદ અતીક નીચે પડ્યા અને બીજી જ પળે અહમદ પર પણ ઘણા રાઉન્ડ ફાયરિંગ કરાયા.
 
‘બમબાજ’ના નામે ઓળખાય છે ગુડ્ડુ મુસ્લિમ
 
અશરફ અહમદ અંતિમ ઘડીએ જે ગુડ્ડુ મુસ્લિમનું નામ લઈ રહ્યા હતા તેને બૉમ્બ બનાવાનો નિષ્ણાત માનવામાં આવે છે.
 
ગુડ્ડુ મુસ્લિમ વિશે કહેવાય છે કે તેણે ઉત્તર પ્રદેશના ઘણાં મોટાં માફિયાજૂથો સાથે કામ કર્યું છે. બાદમાં તેણે અતીક અહમદના ખાસ આમંત્રણ પર તેની સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું.
 
એવું કહેવાય છે કે માત્ર 15 વર્ષની ઉંમરે ગુડ્ડુ મુસ્લિમે નાની-મોટી ચોરીઓથી ગુનાની દુનિયામાં પ્રવેશ કર્યો. પરંતુ અમુક સમય બાદ બાહુબલીઓનું રક્ષણ મળ્યા બાદ તેણે બૉમ્બ બનાવવાનું કામ શરૂ કરી દીધું હતું.
 
ધીમે ધીમે આ જૂથો વચ્ચે તે એટલો પ્રખ્યાત થઈ ગયો કે ઉત્તરપ્રદેશમાં થનારા દરેક મોટા અપરાધિક મામલામાં ગુડ્ડુ મુસ્લિમનું નામ જોડાવા લાગ્યું. ગુડ્ડુ મુસ્લિમે શ્રી પ્રકાશ શુક્લા, મુખ્તાર અંસારી, ધનંજયસિંહ અને અભયસિંહ સહિત ઘણા કથિત માફિયાઓ માટે લગભગ બે દાયકા સુધી કામ કર્યું છે.
 
જોકે, ગુડ્ડુ મુસ્લિમને અતીક અહમદનો જમણો હાથ માનવામાં આવતો હતો. ગુડ્ડુ મુસ્લિમનું નામ લખનૌમાં પીટર ગોમ્સ મર્ડર કેસમાં પણ સામે આવ્યું હતું.
 
ફેબ્રુઆરી મહિનામાં થયેલ ઉમેશ પાલની હત્યા બાદ સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં પણ ગુડ્ડુ મુસ્લિમ સ્થળ પર બૉમ્બ ફેંકતા દેખાયો હતો.
 
આરોપ છે કે ઉમેશ પાલ હત્યાકાંડમાં અતીક અહમદના દીકરા અસદ અહમદ અને બીજા સહયોગી ગુલામ સાથે ગુડ્ડુ મુસ્લિમ પણ સામેલ હતો.
 
ઉમેશ પાલની હત્યા બાદ ગુડ્ડુ મુસ્લિમ ફરાર છે. પોલીસે ગુડ્ડુ મુસ્લિમ પર ઉમેશ પાલના હત્યાકાંડ બાદ પાંચ લાખ રૂપિયાના ઇનામની જાહેરાત પણ કરી હતી.
 
અતીક અહમદ પર હતા 100 કરતાં વધુ કેસ
 
અતીક અહમદ વિરુદ્ધ પણ ઘણા મામલા ચાલી રહ્યા હતા. તેમને સાબરમતી જેલમાં રખાયા હતા અને તેમના વિરુદ્ધ એપીએમએલએ કોર્ટમાં ચાલી રહેલા 50 કરતાં વધુ મામલામાં વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે સુનાવણી કરાઈ રહી હતી.
 
અતીક દેશના એવા નેતાઓ પૈકી એક હતા જે ગુનાની દુનિયામાંથી બહાર આવી રાજકારણી બન્યા. જોકે, રાજકારણમાં પણ તેમની બાહુબલીની છબિ જળવાઈ રહી અને તેઓ કોઈ ને કોઈ કારણસર સમાચારોમાં રહ્યા.
 
પરંતુ અતીક અહમદના અપરાધિક ઇતિહાસમાં 100 કરતાં વધુ કેસ દાખલ થયેલા હતા.
 
પ્રયાગરાજના પ્રૉસિક્યૂશન અધિકારીઓ પ્રમાણે, અતીક અહમદ વિરુદ્ધ 1996થી અત્યાર સુધી 50 કેસો વિચારાધીન હતા.
 
ફરિયાદ પક્ષનું કહેવું હતું કે 12 કેસોમાં અતીક અને તેમના ભાઈ અશરફના વકીલોએ અરજીઓ દાખલ કરી હતી જેના કારણે કેસમાં આરોપ નક્કી નહોતા થઈ શક્યા.
 
અતીક અહમદ બસપાના ધારાસભ્ય રાજુ પાલની હત્યાનો મુખ્ય આરોપી હતા. આ મામલાની તપાસ હવે સીબીઆઇ કરી રહી છે.
 
આ વર્ષે 28 માર્ચના રોજ પ્રયાગરાજની એમપીએમએલએ કોર્ટે અતીક અહમદને વર્ષ 2006માં ઉમેશ પાલનું અપહરણ કરવાના આરોપમાં દોષિત ઠેરવ્યા અને ઉંમરકેદની સજા સંભળાવાઈ.
 
ઉમેશ પાલ રાજુ પાલ હત્યાકાંડના શરૂઆતના સમયના સાક્ષી હતા, પરંતુ બાદમાં મામલાની તપાસ સીબીઆઇને સોંપાતા તેમને સાક્ષી નહોતા બનાવાયા. આ વર્ષે 24 ફેબ્રુઆરીના રોજ ઉમેશ પાલની સરાજાહેર ગોળીઓ ધરબીને હત્યા કરી દેવાઈ હતી.
 
અશરફ ઉર્ફે ખાલિદ આઝમી પર પ્રથમ ગુનાહિત કેસ વર્ષ 1992માં દાખલ કરાયો હતો. તેમના પર 52 કેસો હતા. તેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ઉપદ્રવ અને અન્ય કલમો હેઠળ મામલા સામેલ હતા.
 
આ વર્ષે ફેબ્રુઆરીમાં થયેલ ઉમેશ પાલની હત્યાના મામલે અશરફને આરોપી બનાવાયા હતા. ઉમેશ પાલની હત્યા પહેલાં વર્ષ 2006માં તેમનું અપહરણ થયું હતું.
 
નોંધનીય છે કે ઉમેશ પાલના અપહરણવાળા કેસના નિર્ણયમાં અશરફ દોષિત સાબિત થયા હતા. આ કેસમાં અતીક અને બે અન્યને દોષિત ઠેરવાયા હતા, તેમજ છ આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મુકાયા હતા. પ્રયાગરાજની એમપીએમએલએ કોર્ટે અતીક અહમદને ઉંમરકેદની સજા સંભળાવી હતી.
 
અશરફ વર્ષ 2005માં બસપા ધારાસભ્ય રાજુ પાલની હત્યાના મામલામાં પણ આરોપી હતા અને તેમનો કેસ લખનૌની સીબીઆઇ કોર્ટમાં ચાલી રહ્યો હતો.
 
અશરફને બરેલી જેલમાં રખાયા અને હાજર રહેવા માટે પ્રયાગરાજ લવાતા હતા.
 
બીબીસી હિંદીના સહયોગી પત્રકાર પ્રભાત વર્માએ કેટલાક જાણકારોના હવાલાથી જણાવ્યું કે અતીક અહમદ જે ઘટનાઓને અંજામ આપતો, મોટા ભાગે તેની યોજના અશરફ અહમદ બનાવતો.
 
25 સપ્ટેમ્બર 2015ના રોજ ધૂમનગંજ વિસ્તારના મરિયાડીહ ગામે અતીકની નિકટ મનાતા આબિદ પ્રધાનના ડ્રાઇવર સુરજિત અને અલકમાની હત્યા કરાઈ. શરૂઆતમાં આ મામલામાં ઘણા લોકો પર હત્યાનો કેસ દાખલ કરાયો.
 
પ્રભાત વર્મા જણાવે છે કે બાદમાં ખબર પડી કે મામલામાં જેમની સંડોવણી હોવાની આશંકા હતી તેમણે આ ઘટનાને અંજામ નહોતો આપ્યો. ખરેખર આ હત્યા માટે અતીક અહમદ અને તેના ભાઈનાં જૂથ જવાબદાર હતાં.
 
વર્ષ 2004માં લોકસભા ચૂંટણીમાં ફૂલપુરથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર અતીક અહમદ સાંસદ બન્યા. એ બાદ અલાહાબાદ પશ્ચિમ વિધાનસભા બેઠક ખાલી પડી અને તેના માટે પેટાચૂંટણી યોજાઈ.
 
આ પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ અતીકના નાના ભાઈ અશરફને ટિકિટ આપી, તેમજ બહુજન સમાજ પાર્ટીએ રાજુ પાલને ઉમેદવાર બનાવ્યા.
 
પેટાચૂંટણીમાં બસપાના ઉમેદવાર રાજુ પાલ સામે અતીક અહમદના ભાઈનો પરાજય થયો.
 
પહેલી વખત ધારાસભ્ય બનેલા રાજુ પાલની અમુક મહિના બાદ જ 25 જાન્યુઆરી, 2005ના રોજ સરાજાહેર ગોળી ધરબીને હત્યા કરી દેવાઈ હતી. આ ઘટનામાં દેવી પાલ અને સંદીપ યાદનાં પણ મૃત્યુ થયાં હતાં. તેમજ અન્ય બે લોકો પણ ગંભીરપણે ઈજાગ્રસ્ત થયા હતા.
 
આ હત્યાકાંડમાં એ સમયે સાંસદ અતીક અહમદ અને તેમના ભાઈ અશરફનું કનેક્શન સામે આવ્યું હતું.
 
હાલમાં જ ઉમેશ પાલ હત્યાકાંડના મુખ્ય કાવતરાખોર પણ અતીકને જ માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ અનુસાર અતીક અહમદે બરેલી જેલમાં બંધ ભાઈ અશરફને જ ઉમેશ પાલની હત્યા કરવાના કામની જવાબદારી સોંપી હતી.
 
આટલું જ નહીં, જાણકારો જણાવે છે કે ત્રણ વખત નાકામ રહ્યા બાદ ચોથા પ્રયત્ને ઉમેશ પાલની હત્યા કરી શકાઈ હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર