મોરબી પુલ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી

મંગળવાર, 15 નવેમ્બર 2022 (17:28 IST)
30 ઑક્ટોબર 2022ના રોજ મોરબી ખાતે ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતાં ઘણાં બાળકો સહિત 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ ઘટના માત્ર રાષ્ટ્રીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સમાચાર બની હતી.
 
ગુજરાત હાઈકોર્ટે મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના મામલાની સુનાવણીમાં નગરપાલિકાના પ્રતિનિધિ ગેરહાજર રહેતા ગુજરાત હાઈકોર્ટે ઝાટકણી કાઢી હતી.
 
ઇન્ડિયનએક્સપ્રેસના એક અહેવાલ અનુસાર ગુજરાત હાઈકોર્ટે મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના અંગેના મામલાની સુનાવણીમાં કડક ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, “નગરપાલિકાના અધિકારીઓ ‘સ્માર્ટ બની રહ્યા’ છે, તેઓ કોર્ટમાં નોટિસ આપ્યા છતાં હાજર નથી રહ્યા.”
 
હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમારે સરકારી પક્ષને મુશ્કેલ પ્રશ્ન પૂછતાં કહ્યું હતું કે, “કૉન્ટ્રેક્ટરનો સમયગાળો 15 જૂન, 2016ના રોજ ખતમ થઈ ગયો હોવા છતાં, રાજ્ય કે મોરબી નગરપાલિકા તરફથી ઝૂલતા પુલ અંગે ટૅન્ડર કેમ ખુલ્લું મુકાયું નહોતું. ટૅન્ડર વગર રાજ્યે કોઈ એક વ્યક્તિને લાભ આપવાનું કેવી રીતે નક્કી કર્યું? રાજ્યે મ્યુનિસિપાલિટી હજુ સુધી સુપરસીડ કેમ નથી કરી?”
 
મુખ્ય ન્યાયાધીશે સુનાવણી વખતે એવું જાણવાનો પ્રયાસ કર્યો હતો કે મોરબી નગરપાલિકા તરફથી આ મામલે કોણ પ્રતિનિધિ તરીકે હાજર રહ્યું છે, આ પ્રશ્નના જવાબમાં ઍડ્વોકેટ જનરલે કહ્યું હતું કે નગરપાલિકા તરફથી કોઈ આવ્યું નથી કારણ કે તેમને કોઈ નોટિસ મળી નહોતી.
 
આ ટિપ્પણી અંગે જવાબ આપતાં મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે, “રજિસ્ટ્રીએ નોટિસ જાહેર કરી છે, તેઓ હવે વધુ ‘સ્માર્ટ બનવાનો પ્રયત્ન કરી રહ્યા’ છે.”
 
નોંધનીય છે કે ગત મહિનાના અંતે 30 ઑક્ટોબર 2022ના રોજ મોરબી ખાતે ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતાં ઘણાં બાળકો સહિત 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ ઘટના માત્ર રાષ્ટ્રીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સમાચાર બની હતી

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર