આપણે બધા જાણીએ છીએ કે એક સમાજ શું છે અને એનું મહત્વ એક વ્યક્તિ માટે શું છે. પર જો ના જાણતા હો! તો ગૂગલ ની ભાષા માં સમાજ એટલે પરસ્પર સમાન પરંતુ અન્યોથી વિશિષ્ટ સંસ્કૃતિ ધરાવતા, એકતાની લાગણી ધરાવતા અને પોતાને બીજાથી અલગ માનતા એક જૂથના લોકો. માનવીની જરૂરિયાતો પૂરી કરવા માટે પાયાની તમામ સંસ્થાઓ સમાજ ધરાવતો હોય છે. મારા શબ્દોમાં કહું તો એવું સમૂહ જે એક બીજાની સહાયતા કરવા માટે એકજૂટ થઇ ને જીવી રહ્યા છે
એક વખત હું મારા દાદા સાથેવાતો કરતી હતી ને એ કહેવા લાગ્યા....જ્યારે તારા બાપા નાનકડા હતા ત્યારે આપણે કચ્છમાં રહેતા, અને ખેતી-વાડી કરતા, આખો દિવસ ખેતીમાં નીકળી જતો અને મનોરંજન નુ કોઈ સાધન નતું મહિનાઓથી વાટ જોતા કે ક્યારે કોઈ તહેવાર આવે ને રજા મળે ને આવી ઘણી બધી વાતો કરતા કરતા અમારી ટ્રેન ની પાટરી સમાજ નામ ના પ્લેટફોર્મ પર આવી ગઈ... દાદાનું કથન સાંભળી હું તો અચરજ માં પડી ગઈ... કહેવા લાગ્યા કે સમાજ તો હોવો જોઈએ, અને દરેક વ્યક્તિને સમાજ થી જોડાવું ખપે. પણ આ શબ્દો મને ખટક્યા કેમકે મારા સાથે થયેલી ઘટનાઓ આના વિપરીત હતી. મારો દૃષ્ટિકોણ જુદો છે વાતોને આગળ વધારતા હું મારા મનની વાતોને તેમને કહેવા લાગી ને ચાલો તમને પણ કહું.
મારા માટે સમાજ નદી પર બનેલો એ બાંધ છે જે વ્યક્તિ ની સર્જનાત્મકતા ના પ્રવાહને રોકી દે, એક એવી સરહદ જે વ્યક્તિ ની વૃદ્ધિમાં અવરોધ બને , સમાજ એટલે રસ્તાનો સ્પીડબ્રેકર જે વગર જરૂરિયાતે દરેક ગલીએ બનેલો છે. એ હેલ્પલાઇન નંબર જે જરૂર પડે ત્યારે કામ ન આવે. એક દીવો જેમાં બત્તી નથી, બેલેન્સ વગરનો મોબાઇલ ફોન, ઉડવાની સલાહ આપે પણ પંખ વગર. પહેલાના સમયથી સમાજ અને તેમાં રહેતા વ્યક્તિઓનો સ્વભાવ ઉપર કહેલા ઉદાહરણો એવા ને એવા જ છે, પરંતુ સમયના બદલાવ સાથે વ્યક્તિએ બદલાવું જોઈએ. પણ આજે પણ વાતો બધી એક સમાન છે. આપનુ શીર્ષક એ નથી. આપની વાત આજના યુવાઓની છે, તેમની જરૂરિયાત શું છે? અને તેમની વિચારધારા કે એક સભ્ય સમાજ કેવો હોવો જોઈએ. મારા ઘણા બધા મિત્રો પાસેથી સલાહ લઈ હું આ લેખ લખું છું. એક યુવા ફક્ત ઇચ્છે છે કે તેના મનનું ધારેલું થાય અને પરિવાર અથવા સમાજ તેની મદદ કરે. સ્કૂલમાં ભણતા વિદ્યાર્થી ઇચ્છે કે યોગ્ય કરિયર માર્ગદર્શન મળે, કોલેજવાળાને કરિયર વિકલ્પો અને તેમના આગળ એક સુશીલ જીવનસાથી. પણ સમાજ આ બધી વાત પર ધ્યાન ના આપતા બીજાં બધા મનોરંજક કાર્ય જેવા કે નૃત્ય ગાન, ડાયરા, મૉટિવેશનલ સેશન્સ ને ફાલતુ બધું કરતુ હોય છે.. સરસ્વતી સન્માનના નામ પર સ્કૂલમાં ભણતા બાળકોની માતાઓ સ્પર્ધા કરતી હોય કે તારા દિકરાના અંક મારા વાળા કરતા ઓછા છે, અને જેમણે ઓછા આવ્યા હોય તેમને જાણકારી હોવા છતાં પૂછવા જાય. સરસ્વતી સન્માન કરતા સમાજે ક્યારેય વિચાર્યું કે એવું શું કરીએ કે બાળકો સારા નંબરે પાસ થાય. કોલેજમાં ભણતા દિકરા દિકરીઓ શરૂઆતથી જ કન્ફ્યુઝ હોય. પૈસાવાળાં ઘરના બાળકો તો કાઉન્સેલિંગ સેશન લઇ લે પણ બીજા ૯૦% બાળકોનું શું? ઘણીવાર બાળકો નક્કી ન કરી શકે કે તેમના માટે શું સાચું છે અને આ મુદ્દા પર ખુલ્લી ચર્ચા થવી જોઈએ જેથી જે પહેલેથી ક્ષેત્રમાં છે તેમના તરફથી માર્ગદર્શન મળે.
કોઈ CA, CS, CMA કરતો હોય અથવા કંઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા આપતો હોય ને એ સતત ૩-૪ પ્રયાસમાં સફળ ન થાય એટલે સમાજના લોકો કહેવા લાગે "તું રહેવા દે, તારા થી નહીં થાય" પ્રોત્સાહન આપી ન શકે તો નિરાશા તો ન આપવી જોઈએ. જો સમાજ આવું બધું કરશે તો એક યુવાન સમાજનો ભાગ કેવી રીતે બનશે અને આગળ આવી પોતાની વાત કેવી રીતે રજૂ કરશે. સમાજ પહેલા તો કહે છે કે તમારા વિચારો જણાવો સમાજમાં બદલાવ લાવીશુ. કોઈને નાનું કે મોટું ગણશો તો મન તો નિરાશ થવાનુ. જો આવું બધું ચાલુ રહેશે તો એક યુવાન સમાજનો ભાગ કેમ બનશે? આગળ આવીને પોતાની વાત કેમ રજૂ કરશે? અને આ વાત ખાલી કુંવારા યુવાનો પુરતી સીમિત નથી. પરણ્યા પછીની બાધાઓ તો હજુ અલગ જ છે. દીકરી ને ભણાવી ગણાવી ને જો ઘર માં બેસાડવી હોય તો કેમ આટલા ખોટા ખર્ચા કરવા? આ તો સાસરિયા નો વાંક હોય બાકી તો કોઈ માં બાપ ના ચાહે કે મારી દીકરી આવડું ભણી ને કોઈના દબાણ માં રહે. એક વાત બહુ સંભાળવામાં આવે છે પુત્રવધુ નોકરી ન કરી શકે. અને જ્યારે કારણ પૂછી તો કહેશે કે અમને કોઈ જરૂર નથી. અરે જાનકી ના નાથ, દુનિયા નો તારણહાર પણ જાણી ન શક્યો કાલે શું થવાનું? તો આ વાત કહેનારા તમે કોણ છો કે આપણને જરૂર નથી ને ક્યારે પડશે. પણ નહીં. વહુ દીકરા ઇચ્છતા હોય તો જાય નોકરીએ તમારે શું વાંધો છે? પણ આમાં વાક આપણી દીકરીઓ નો પણ સરખો છે. ઘર માં બેસી ત્રણ ટાઇમ ખાવું પીવું ને સૂઈ જવું. મસ્ત મજા ની લાઇફ. પછી કોઈ સામે થી પણ કહે તોહ ના કહી દે. મિત્રો બધાનો ખરાબ સમય આવે ને જ્યારે આપણે કોઈ એવા સમય માં મદદ કરે તો આપણે એના ઉપકાર કયારે ન ભૂલવા. પણ એવા સમય માં કોઈ પણ સાથ ના આપે તો સમાજના સભ્યોનુ ફર્ઝ છે કે કોઈ પણ વ્યક્તિ જો કોઈ સમસ્યા માં હોય તો એમની મદદ કરવી. બસ આ એક વાત ને જો મૂળ માત્ર બનવી તોહ પણ સમાજ માં ઘણી બધી સમસ્યાઓ નું સમાધાન થઈ જશે.
ઘણી બધી સમસ્યાઓ આ સમાજ અને દેશ માં છે જેનો ઉપાય નથી. ઉપાય છે પણ શોધવાનો સમય નથી. અને જો સમય પણ એક વખત મળી જાય પણ જીજ્ઞાસા નહીં મળે. અને જીગ્યાસા તો એવી વસ્તુ હૈ સાહેબ કી જ્યારે અંદર થી થાય ને કે સુધાર લાવો છે ત્યારેજ લાવી શકાય. અને સાહેબ ક્રાંતિ અને બદલાવ લાવો સહેલુ નથી કેમકે જ્યારે આપણા પર વીતે ને ત્યારે લાગે કી કાશ આ આવું હોવું જોઈતું હતુ .
સમય આવી ગયો છે, જ્યારે સમાજ માત્ર પરંપરાઓનું અનુસરણ ન કરી, પણ યુવાનોની લાગણીઓ, જરૂરિયાતો અને અવાજને સમજવા માટે આગળ આવે. યુવાનોમાં તાકાત છે, સર્જન છે, વિચાર છે – જેને યોગ્ય દિશામાં વાળવાની જવાબદારી સમાજની છે.
હવે જરૂરી છે કે સમાજ એક એવી ભૂમિકા ભજવે,
જે યુવાનોને દબાવવાનું નહીં, પણ તેમને ઊંચું ઉડવાનું શીખવે. એક એવું વાતાવરણ ઊભું કરે, જ્યાં માર્ગદર્શન મળે, વિચારવિમર્શ થાય અને દરેક યુવાન પોતાનું મૂલ્ય અનુભવી શકે.
કારણ કે સાચો સમાજ એ નથી કે જે હર સમય સાથ આપવાના સપના માં જીવતો રહે, પણ જ્યારે સમય આવે ત્યારે એક સાથે મળી આગળ આવે ને સાથ આપે. સાચો સમાજ એ છે કે જે દરેક યુવાનને ઉપર ઊઠાવે –પ્રેરણા આપી, માર્ગ બતાવી અને ભવિષ્ય માટે સારા યુવાનોની ફૌજ તૈયાર કરે.