જ્યાં પીએમ મોદીનું મંદિર બન્યું લોકોએ તેમની પૂજા કરી હાલ ત્યાં જ પાણીના ફાંફા

શુક્રવાર, 10 મે 2019 (13:13 IST)
ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો પાણી વિના ટળવળી રહ્યાં છે ત્યારે સરકાર તેમના માટે પગલા લઈ રહી હોવાની ગુલબાંગો પોકારી રહી છે. એક તરફ સૌરાષ્ટ્રમાં નર્મદા અને સૌની યોજના વિશે ચર્ચાઓ ચકડોળે ચડી છે ત્યાં રાજ્યના અનેક ડેમમાં પાણી તળીયા ઝાટક છે. હવે ખાસ વાત એવી ધ્યાનમાં આવી છે કે વાંકાનેરના ભોજપરા વાદી વસાહત ગામે હસનપર જૂથ યોજના અંતર્ગત મળતું પાણી બંધ કરવામાં આવતા આશરે એક હજાર જેટલી વસ્તી ધરાવતા ગામ લોકોની હાલત કફોડી બની છે. આ એ જ વસાહત છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મંદિર બનાવાયું છે અને રોજ પૂજા અર્ચના પણ કરવામાં આવે છે. વસાહતના ગ્રામજનોના જણાવ્યા મૂજબ આ વસાહતમાં 2002માં તત્કાલીન મુખ્યપ્રધાન મોદીએ 200 પરિવારને પાકા મકાન બનાવવા માટે 100 વારના પ્લોટ ફાળવ્યા અને મકાન બનાવી આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત જ્યોતિ ગ્રામ યોજના હેઠળ લાઈટ આપવામા આવી હતી. સાથોસાથ તાલુકાના હસનપર ગામેથી પસાર થતી નર્મદા લાઈનમાંથી હસનપર જૂથ યોજના અંતર્ગત પાણી પણ આપવામાં આવ્યું હતું. આજે પીવાના એક બેડા પાણીમાં મહિલાઓ વલખા મારી રહી છે. હસનપર જૂથ યોજના હેઠળ આપવામાં આવતું પાણીનો પુરવઠો છેલ્લા બે વર્ષથી કોઈ કારણોસર બંધ કરી દીધો છે.  વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મુખ્યમંત્રી કાળ દરમિયાન અમારા માટે પાણીની જે વ્યવસ્થા કરી હતી તે અમારી જાણ બહાર બંધ કરી દેવાતા અમારી વસાહત કફોડી સ્થિતિમાં મૂકાઇ ગઇ છે તેવું ગ્રામજનોનું કહેવું છે.પાણી બંધ કરવામાં નથી આવ્યું પણ ભોજપરા ગામે જતી લાઈનમાં ક્ષતિ હોવાથી પાણી બંધ થઈ ગયું છે. 
 
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર