લોકસભાના પરિણામ પછી શું કેન્દ્રમાં ભાજપ-કૉંગ્રેસ વગરની સરકાર શક્ય છે?

ગુરુવાર, 9 મે 2019 (15:15 IST)
ઇમરાન કુરેશી
 
દક્ષિણ ભારતના સ્થાનિક પક્ષોનું માનવું છે કે તેઓ લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસની સામે સંયુક્ત રીતે સારું પ્રદર્શન કરશે. આ ભરોસો અને વિશ્વાસ સ્થાનિક પક્ષોના આંતરિક સર્વે પછી ઊભો થયો છે. સત્તાની આ મહેકના કારણે જ દેશના સૌથી નવા રાજ્ય તેલંગાણાના મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવ કેરળના મુખ્ય મંત્રી પિનારાઈ વિજયનને મળવા પહોંચ્યા હતા. પી. વિજયન અત્યારના સમયમાં ભારતમાં એકમાત્ર ડાબેરી મુખ્ય મંત્રી છે.
 
કે. ચંદ્રશેખર રાવનું બિન-કૉંગ્રેસી અને બિન-ભાજપી સંયુક્ત મોરચો રચવાનું સપનું ગત વર્ષે રગદોળાઈ ગયું હતું. અન્ય સ્થાનિક પક્ષોએ એમને સાથ નહોતો આપ્યો અને તેઓ યુપીએ અથવા તો એનડીએનો હિસ્સો બની ગયા હતા. ગત પાંચ વર્ષોમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ગમા-અણગમાના સંબંધોને કારણે ચંદ્રશેખર રાવ અને પી. વિજયન વચ્ચેની આ મુલાકાત મહત્ત્વની થઈ ગઈ છે.
 
કેરળમાં સીપીએમની આગેવાની હેઠળની લેફ્ટ ડેમૉક્રેટિક ફ્રન્ટ (એલડીએફ)ની સરકાર છે. અહીંના મુખ્ય મંત્રીએ તેલંગાણાના મુખ્ય મંત્રી સાથે થયેલી બેઠકને ખૂબ જ મહત્ત્વની ગણાવી છે. પી. વિજયને કહ્યું, એમના કહેવા મુજબ (ચંદ્રશેખર રાવ) એનડીએ કે યુપીએ એ બેઉમાંથી એકેયને બહુમત નહીં મળે અને એવા સંજોગોમાં પ્રાદેશિક પક્ષો મહત્ત્વની ભૂમિકા ભજવશે. મારું માનવું છે કે તેઓ યોગ્ય વિચારી રહ્યા છે.
 
કેન્દ્ર સરકારે જ્યારે પશુપાલનના વેપારમાં રાજ્યોનો હિસ્સો ખતમ કરવાની વાત કરી હતી ત્યારે વિજયન દેશના એવા પ્રથમ મુખ્ય મંત્રી હતા જેમણે ન ફક્ત એનો વિરોધ કર્યો પરંતુ અન્ય રાજ્યના મુખ્ય મંત્રીઓને પણ વિરોધ કરવા પ્રોત્સાહન આપ્યું.
 
અલગ શબ્દોમાં કહીએ તો તેમણે બીફ પર થયેલા વિવાદમાં જનતાની પોતાની પસંદનો મુદ્દો ઊઠાવ્યો હતો. આ વિરોધના કારણે ભાજપ શાસિત કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોતાનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો હતો.
 
કેન્દ્ર સરકારના આવા ઘણા નિર્ણયો છે, જેનો સ્થાનિક પક્ષે વિરોધ કર્યો. તેમાં રાજ્યોને પોતાની ઇચ્છા અનુસાર અન્ય પછાત વર્ગમાં જાતિઓનો સમાવેશ કરવાની શક્તિ આપવાનું પણ સામેલ છે.
 
આ સાથે જ દેશમાં કુદરતી આફતો વખતે અલગ-અલગ રાજ્યો સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરવાનું પણ સામેલ છે.
 
આમ સામાન્ય રીતે વડા પ્રધાન મોદી અને દક્ષિણ ભારતનાં રાજ્યોના મુખ્ય મંત્રીઓ વચ્ચે હંમેશાં અણબનાવના જ સંબંધો રહ્યા છે.
 
હવે જ્યારે જે રાજ્યોમાં ભાજપની સરકાર નથી તેવાં રાજ્યોમાં સ્ટાર પ્રચારકો સતત મોદી પર નિશાન સાધી રહ્યા છે, ત્યારે આ અણબનાવ હવે ચૂંટણીપ્રચારમાં પણ દેખાઈ રહ્યો છે.
 
સામે પક્ષે વડા પ્રધાન મોદી પણ કંઈ કમ નથી. તેઓ પણ પોતાનાં ચૂંટણીભાષણો ઉપરાંત પણ દરેક રીતે પોતાના પ્રતિસ્પર્ધીઓને જવાબ આપવાની કોશિશ કરી રહ્યા છે. સ્થાનિક પક્ષોમાંથી ઘણા નેતાઓના ઘરો અને ઓફીસમાં ઇન્કમટૅક્સ વિભાગના દરોડાઓની ઘટનાઓ બની છે.
 
આ જ કારણથી કૉંગ્રેસ સિવાય અન્ય બધા જ પક્ષોના નિશાન પર પણ મોદી અને ભાજપ જ છે.
 
 
કેસીઆરના મગજમાં શું ચાલે છે?
 
એવું લાગે છે કે ચંદ્રશેખર રાવનું મુખ્ય લક્ષ્ય ત્રીજા મોરચાને સત્તામાં લાવવાનું છે. તેઓ ઇચ્છે છે કે વધુમાં વધુ પક્ષોના સમર્થનથી ત્રીજા મોરચાની સરકાર બને.
 
રાજકીય વિચારક ટી. અશોક આ અંગે કહે છે, "એવું લાગે છે કે મોટા ભાગના સ્થાનિક પક્ષો ભાજપથી નારાજ છે, આ સ્થિતિમાં કૉંગ્રેસના નેતૃત્વમાં યૂપીએ સાથે ત્રીજા મોરચાનું સંગઠન શક્ય છે."
 
બીજો એક દૃષ્ટિકોણ એવો પણ છે કે કર્ણાટકમાં સરકાર બનાવવા માટે જે પ્રયોગ કરવામાં આવ્યો તે જ રાષ્ટ્રિય સ્તરે પણ અપનાવી શકાય. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસને વધુ બેઠકો મળી હતી, ત્યારે તેમણે સ્થાનિક જનતાદળ સેક્યુલરને સરકાર બનાવવાની તક આપી અને તેઓ સમર્થનમાં આવી ગયા.
 
અશોક કહે છે, "તેનો સીધો અર્થ છે કે ત્રીજા મોરચાને યૂપીએનું સમર્થન મળી શકે છે. આ મોરચાની પહેલી માગ પણ કદાચ એ જ હશે."
 
જ્યારે 1996માં એચડી દેવગોડાએ સંયુક્ત મોરચાનું સમર્થન કર્યું અને કૉંગ્રેસે તેમને બહારથી ટેકો આપ્યો ત્યારે પણ કંઈક આ જ રીતે પણ પ્રયોગવાળી સરકાર બની હતી.
જોકે, અશોક એ વાતની શક્યતા પણ નકારતા નથી કે ત્રીજો મોરચો એનડીએનું સમર્થન હાંસલ કરી લેશે. તેઓ કહે છે બધું જ આંકડાઓ પર આધારિત છે. કયા પક્ષને કેટલી બેઠક મળે છે તેના આધારે ગઠબંધન રચાશે.
 
શું કેસીઆર વડા પ્રધાન બનવાનું સપનું જુએ છે?
 
તેલંગાણા ઉત્તર પ્રદેશ, તામિલનાડુ કે પશ્ચિમ બંગાળ જેટલું મોટું રાજ્ય નથી તેથી આવું વિચારવું કદાચ અતિશયોક્તિ કહી શકાય.
 
ચંદ્રશેખર રાવનો પક્ષ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ રાજ્યમાં 17માંથી 16 બેઠકો પર લડી રહ્યો છે, તે બધી જ બેઠકો પર જીતી જાય તો પણ આ આંકડો એટલો મોટો નથી કે તેઓ વડા પ્રધાન બની શકે. તેલંગણામાં એક બેઠક અસદુદ્દીન ઔવેસીના પક્ષ એઆઈએમઆઈએમને આપવામાં આવી છે. અશોક કહે છે, "જેટલી બેઠકો સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી કે મમતા બેનરજીની ટીએમસી પાસે છે તેટલી કેસીઆર પાસે નથી. તમિલનાડુમાં ડીએમકેના એમ કે સ્ટાલિન પાસે પણ લડવા માટે તેમનાથી વધુ બેઠકો છે."
 
તેમ છતાં ચંદ્રશેખરની તાકાતને ઓછી આંકી શકાય નહીં. 1996માં આંધ્ર પ્રદેશમાં જે ભૂમિકા ચંદ્રબાબુ નાયડુએ નિભાવી હતી તે રીતે તેઓ પણ આગામી સરકારની રચનામાં બહુ મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે છે. 
 
જો સ્થાનિક પક્ષોની સંયુક્ત બેઠકો કૉંગ્રેસ અને ભાજપથી વધુ થઈ ગઈ તો કેસીઆરની અસલી તાકાત જોવા મળી શકે છે. આમાં ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી પર પણ ઘણો આધાર રહેશે. તેઓ પોતાના વિરોધી મોહન રેડ્ડીની પાર્ટી વાયએસઆર કૉંગ્રેસ સાથે કેવો તાલમેલ બેસાડે છે તે જોવાનું રહેશે. જો નાયડુને લોકસભા અને વિધાનસભામાં બહુમતી મળી તો પોતાના જૂના અનુભવોના આધારે તેઓ સ્થાનિક દળોને એકઠા કરવામાં વધુ સક્રિય ભૂમિકા નિભાવશે. હાલ બધાની નજર 23 મેની ઉપર છે. પરિણામમાં સ્થાનિક દળોના હાથમાં કેટલી બેઠક આવશે અને તેઓ કેટલા શકિતશાળી બને છે તેના પર બધો આધાર રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર