પાકિસ્તાનના પંજાબમાં મફત લોટ લેવા જતા ચાર વડિલોનાં મૃત્યુ

રવિવાર, 26 માર્ચ 2023 (12:25 IST)
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં છેલ્લા કેટલાક દિવસોમાં સરકારી વિતરણ કેન્દ્રોમાંથી મફત લોટ લેવાના પ્રયાસમાં ઓછામાં ઓછા ચાર વડિલો મૃત્યુ પામ્યા છે અને સંખ્યાબંધ લોકો બેહોશ થયા છે.
 
સમાચાર સંસ્થા પીટીઆઈએ પંજાબ સરકારના એક વરિષ્ઠ અધિકારી સાથેની વાતચીતને આધારે આ માહિતી આપી છે.
 
અધિકારીએ જણાવ્યા અનુસાર, મુલતાન, મુઝફ્ફરગઢ અને ફૈસલાબાદ શહેરોમાં આવી ઘટનાઓ બની છે.
 
તેમના જણાવ્યા અનુસાર આ ઘટનાઓ બનવા પાછળનું કારણ એ છે કે મફત લોટ લેવા માટે લોકોની ભારે ભીડ ભેગી થઈ જાય છે, જ્યારે તેનું વિતરણ કરવા માટે બનાવવામાં આવેલા સરકારી વિતરણ કેન્દ્રો પર સુવિધાઓની અછત છે.
 
તેમણે કહ્યું, "મરનારાઓમાંથી બેનાં મૃત્યુ ત્યાં થયેલી ધક્કામુક્કીને કારણે થઈ અને અન્ય બે વ્યક્તિઓનાં મૃત્યુ કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાને કારણે થયાં હતાં."
 
બીજી બાજુ પોલીસ અને ત્યાં ભેગા થયેલા લોકોને લાઇનમાં ઊભા રાખવા માટે તેમના પર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો.
 
સમાચાર અનુસાર, પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં વધી ગયેલી બેહિસાબ મોંઘવારીથી ગરીબોને રાહત આપવા માટે મફતમાં લોટ વિતરણ કરવાની યોજના શરૂ કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર