વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયાના સ્વપ્ન તથા ગ્રાહકોની સુવિધામાં વધારો કરવાના સતત પ્રયાસને આગળ ધપાવતા ઈન્ડિયન ઓઈલે મિસ્ડ કોલ કરી નવું એલપીજી જોડાણ મેળવવા માટેની સુવિધા તમામ સ્થાનિક ગ્રાહકો સુધી વિસ્તારી છે. દેશભરના સંભવિત ગ્રાહકો હવે 8454955555 પર મિસ્ડ કોલ કરી નવું જોડાણ મેળવી શકશે. હાલમાં ઈન્ડિયન ઓઈલ એ એક માત્ર ઓઈલ માર્કેટિંગ કંપની છે જેણે તેના વર્તમાન અને નવા સંભવિત ગ્રાહકો સુધી આ સુવિધા ઉપલબ્ધ બનાવી છે.
દેશભરના ગ્રાહકો માટે આ પહેલનો પ્રારંભ કરતાં ઈન્ડિયન ઓઈલના ચેરમેન એસ.એમ. વૈદ્યએ જણાવ્યું હતું કે સૌથી વધુ ગ્રાહકલક્ષી અભિગમ અને સુવિધાઓ ધરાવતી અમારી કંપની ગ્રાહકોના વર્તમાન અનુભવને ગઈકાલ કરતાં વધુ બહેતર બનાવવા પ્રયત્નશીલ રહે છે. અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી અમે ઈન્ડેનના ગ્રાહકોને સતત નવી સુવિધાઓ ઉપલબ્ધ બનાવતાં રહીએ છીએ. મને વિશ્વાસ છે કે આ મિસ્ડ કોલ સુવિધાથી ગ્રાહકો માટે એલપીજી સરળતાથી ઉપલબ્ધ બનશે અને તેમને રાહત પૂરી પાડશે.
દેશભરમાં રિફીલ બૂકિંગ માટે મિસ્ડ કોલ સુવિધા અને પસંદગીના સ્થળોએ નવા કનેક્શનની સુવિધા અગાઉ જાન્યુઆરી, 2021માં લોન્ચ કરાઈ હતી. ઝંઝટ મુક્ત મિસ્ડ કોલની સુવિધાથી નવું કનેક્શન મેળવવામાં ગ્રાહકોના ઘણાં સમયની બચત થવાની સાથે જ તેમના માટે સમગ્ર પ્રક્રિયા સરળ બની જાય છે. તેનાથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના ઉંમરલાયક ગ્રાહકોને વિશેષ લાભ થશે.
એલપીજી રિફીલના સરળ બુકિંગ અને તેના પેમેન્ટ માટે ઈન્ડિયન ઓઈલ સતત નવી ટેક્નોલોજીની મદદ લે છે. ગ્રાહકો તેમના એલપીજી રિફીલનું બૂકિંગ તથા તેના નાણાંની ચૂકવણી ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (બીબીપીએસ), ઈન્ડિયન ઓઈલ એપ અથવા https://cx. indianoil.in.ના પોર્ટલ પરથી પણ કરી શકે છે. ગ્રાહકો વોટ્સએપ(7588888824), એસએમએસ/ IVRS (7718955555)ના માધ્યમથી અથવા તો એમેઝોન પર એલેક્સાના દ્વારા અથવા પેટીએમચેનલ્સ દ્વારા પણ રિફીલ બુકિંગ અને તેનું પેમેન્ટ કરી શકે છે.
આ લોન્ચિંગના દિવસે જ ઈન્ડિયન ઓઈલના ચેરમેન એસ.એમ.વૈદ્યએ ગ્રાહકોને ઘરઆંગણે ડબલ બોટલ કનેક્શન(ડીબીસી) મળી રહે તેની સુવિધાનું પણ ઉદઘાટન કર્યું હતું. આ પહેલ અંતર્ગત, રિફીલની ડિલિવરી કરનાર વ્યક્તિ વર્તમાન સિંગલ બોટલ કનેક્શન (એસબીસી) ધરાવતાં ગ્રાહકોને ડબલ બોટલ કનેક્શનની ઓફર કરશે. એટલુ જ નહીં ગ્રાહકો બેકઅપ તરીકે આ બીજા કનેક્શન હેઠળ 14.2 કિલોના સિલિન્ડરના બદલે 5 કિલોગ્રામના સિલિન્ડરનો વિકલ્પ પણ પસંદ કરી શકશે.