હું તમારો વિશ્વાસ જીતવા આવ્યો છું ખોટા વાયદા કરવા નહીં - સુરતમાં રાહુલ ગાંધીનો હૂંકાર
શનિવાર, 4 નવેમ્બર 2017 (12:23 IST)
પાટીદારોના ગઢ ગણાતા સુરતના વરાછા વિસ્તારમાં રાહુલ ગાંધીએ વિશાળ માનવ મેદનીને સંબોધી હતી. રાહુલે હકડેઠઠ જનમેદની વચ્ચે પાટીદારની ટોપી પહેરી. દરમિયાન શ્રોતાઓએ તેમને ‘જય સરદાર, જય પાટીદાર’ અને ‘જય ભવાની ભાજપ જવાની’ના નારા સાથે વધાવી લીધા હતાં. પાટીદારો અને સુરતની કરોડરજ્જુ સમાન કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગના વેપારીઓ સહિતના લોકોને સંબોધન કરતા આશરે 30 મિનિટ કરેલા ઉદ્બોધનમાં ભાજપ, નરેન્દ્ર મોદી પર અને અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સમાજના દરેકમાં અસંતોષ હોવાનું અને દરેક વર્ગ પોતાની લડાઈ લડતો હોવાનું જણાવી સૌને સાથે રાખી આગળ ચાલવાની પોતાની મંશા પ્રગટ કરી હતી. જીએસટીના દર 18 ટકાથી વધું ન હોવા જોઈએ તેવી ખુલ્લા મને રજૂઆત કરી. કહ્યું કે કેન્દ્રમાં કોંગ્રેસ આવશે એટલે આ જીએસટી અંગે યોગ્ય નિર્ણય લઈ બધું ઠીક કરશે, તેમ કહીને તેમણે સુરતમાં વર્ષ 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણીનો પાયો નાંખ્યો. ગુજરાતના પ્રાણ પ્રશ્નો, ગુજરાતની જનતાની લડાઈ, આમજનતાની મુશ્કેલી, વિવિધ જાતિના લોકોની લડાઈ જેવા મુદ્દાઓને સ્પર્શતા રાહુલે એક સાતત્ય પૂર્ણ અને મુદ્દા સ્પર્શી વ્યક્તવ્ય આપ્યું. “ગુજરાતના યુવાઓ બેરોજગાર છે. જ્યારે જીએસટીને કારણે સૌથી વધું નુકસાન નાના વેપારીઓને થયું. કેન્દ્રમાં આ વિશે અમે રજૂઆત એક ટેક્ષ 18 ટકાની માંગણી કરી, રજૂઆત પણ કરી હતી. પણ સરકારે તે વિશે સાંભળવાને બદલે તમે સરકારમાં નથી વિરોધમાં છો એમ કહી 28 ટકા સુધીનો જીએસટી દર લાગુ કરી દીધો. એ પછી પણ અમે રજૂઆત કરવા ગયા હતા કે ત્વરિત જીએસટીનો અમલ ન કરો. લાગૂ કરતાં પહેલાં તેનો ત્રણ- ચાર મહિના અભ્યાસ કરો. પછી તેને લાગુ કરો પણ ત્યારે પણ જવાબ મળ્યો અમે એક દિવસમાં લાગુ કરીશું અને રાતે 12 વાગે જીએસટી લાગૂ કરી દેવાયો. રાહુલે કહ્યું હતું કે, “રોજગાર મોટી કંપનીઓ નહી પણ નાના વેપારીઓ લાવે છે. નોટબંધી અને GSTથી વેપાર પર આક્રમણ થયું છે. વિજય માલ્યા ભારતની જેલમાં કેમ નથી. નોટબંધી વખતે બેંકોની લાઈનમાં કોઈ સુટબુટવાળા કેમ ના દેખાયા. GST કોંગ્રેસ પક્ષનો વિચાર હતો. અમે 18 ટકાથી વધુ ટેક્સ નહી તેમ કહ્યું હતું. GST અચાનક લાગુ કરવાથી મોટા ઉધોગપતિઓને નુકસાન નથી થયું. એક આત્મવિશ્વાસથી છલકતા રાહુલ ગાંધીએ કોઈ જ ખચકાટ વગર વરાછાની સભામાં મંચ પરથી જીગ્નેશ મેવાણી, અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલને યાદ કરી કહ્યું કે, “હું કોઈ ખોટા વાયદા કરવા તમારી વચ્ચે નથી આવ્યો. હું તમારા ખાતામાં 15 લાખ જમા કરાવી દઈશ તેવા વાયદા હું મારા જીવનમાં ક્યારેય ન કરી શકું. ગુજરાતમાં દરેક સમાજ પોતાની લડાઈ રહ્યો છે. તમામ જગ્યાએ અસંતોષ જોવા મળી રહ્યો છે. અમે બધાંને સાથે લઈને ચાલીશું. ગુજરાતને જોડવાની જરૂરત છે.