ખેડૂતોનું દેવું દૂર કરવા માટે માત્ર 33 હજાર કરોડની જરૂર - રાહુલ ગાંધી
બુધવાર, 1 નવેમ્બર 2017 (12:47 IST)
વડોદરાથી સવારે સડક માર્ગે નીકળેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જંબુસર ખાતે જાહેરસભાને સંબોધતા જણાવ્યું કે, મોદી સરકાર માત્ર 10-15 ઉદ્યોગપતિઓનું વિચારે છે. ખેડૂતોનું દેવું દૂર કરવા માટે માત્ર 33 હજાર કરોડની જરૂર છે. જે માત્ર એક ઉદ્યોગપતિને આપીને ખેડૂતો સાથે દગો કર્યો. જે ટાટા નેનો માટે સરકારે લોન અને જમીન આપી એ નોને આજે ગુજરાત કે દેશના રસ્તાઓ ઉપર ક્યાંય જોવા નથી મળતી.
ગુજરાતમાં આજે ચારેબાજુથી લોકો દુઃખી છે. તમામ દિશાઓમાંથી આંદોલનની હવા ચાલી જે દર્શાવે છે કે લોકો દુઃખી છે. દરેક સમાજમાં ગુસ્સો અને ફરિયાદો છે. જ્યારે ગુજરાતના ઉદ્યોગપતિઓની કોઈ ફરિયાદ નથી. તેમનાં કોઈ આંદોલન નથી. કારણ કે તેઓ મોદી સરકારને સમર્થન આપી રહ્યા છે. જ્યારે ગુજરાતની 90 ટકા કોલેજો ઉદ્યોગપતિઓના હાથમાં છે. યુવાનોને શિક્ષણ માટે પહેલાં ફી માટે રૂપિયા કાઢવા પડે છે. પ્રાઈવેટ કોલેજોનું પ્રમાણ વધ્યું છે. એટલે ગરીબોને શિક્ષણ નથી મળતું. નોટબંધીથી જૂની નોટો રદ્દી થઈ ગઈ. કાળુ નાળું બહાર નથી આવ્યું. જેમણે અર્થવ્યવસ્થામાં ગરબડ કરી તેઓ વિદેશમાં જલસા કરી રહ્યા છે. તેમને સરકાર પકડી નથી શકી. GSTના મુદ્દે અરૂણ જેટલીના નામનો ઉલ્લેખ કરી રાહુલે આ ટેક્સને ગબ્બરસિંગ ટેક્સ ગણાવ્યો હતો. ઉદ્યોગપતિઓને પણ રાહુલ ગાંધીએ આડેહાથ લીધા અને કહ્યું કે કેટલાંક ગણાગાંઠ્યા ઉદ્યોગપતિઓએ દેશ ઉપર કબજો જમાવી લીધો છે. જેથી વર્તમાન સરકાર જનતાની નહીં પણ ઉદ્યોગપતિઓની છે. પરંતુ હવે પછીની આવનારી સરકાર આમજનતાની, ખેડૂતોની, નાના વેપારીઓની હશે. ભાજપ આખા દેશને રસ્તા બતાવે છે. વર્ષોથી જે રસ્તા બતાવ્યા છે તે ગુજરાતને હવે વાત સમજાય ગઈ છે.