બોલિવૂડ આર્ટિસ્ટનો પાઈલટ પતિ વિકૃત નિકળ્યો, જાહેરમાં પત્નીના કપડાં ફાડી નાંખ્યા

ગુરુવાર, 18 જુલાઈ 2024 (14:37 IST)
શહેરમાં પાઇલટ યુવક અને બોલિવૂડના જાણીતા પ્રોડક્શન હાઉસમાં વીએફએક્સ આર્ટિસ્ટ તરીકે કામ કરતી યુવતીએ ઓનલાઈન ડેટિંગ દ્વારા સંપર્કમાં આવ્યા બાદ ધામધૂમથી પ્રેમલગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ પતિને અશ્લીલ વીડિયો જોવાની લત લાગી હતી. જેના કારણે પત્ની સાથે મારઝૂડ પણ થતી રહેતી હતી. પોતાના મિત્રોને ઘરે બોલાવીને તેમની હાજરીમાં શારીરિક સંબધ માણવા માટે પત્નીને વારંવાર દબાણ કરતો હતો. પત્ની વિરોધ કરે તો માર મારતો હતો. યુવતીએ પતિ, દિયર અને સાસુ-સસરા સહિત ચાર સામે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
 
યુવતી પોતે વીએફએક્સ એક્સપર્ટ હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અડાલજ પોલીસ સ્ટેશનમાં યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઈન્ટરનેશનલ ફ્લાઈટ ઉડાવતા પાઇલટ સાથે 2020માં તેનાં લગ્ન થયાં હતાં. લગ્ન બાદ તે પતિ સાથે મુંબઈમાં રહેતી હતી. યુવતી પોતે વીએફએક્સ એક્સપર્ટ હતી. જેથી યુવતીએ ઘરે બેસી રહેવાના બદલે બોલિવૂડના જાણીતા પ્રોડક્શન હાઉસમાં નોકરી શરૂ કરી હતી. પતિને મિત્રો સાથે રહેવાનું વધારે ગમતું હતું. તે પોતાના મિત્રો સાથેની પાર્ટીમાં પત્નીની હાજરી માટે પણ આગ્રહ રાખતો હતો. થોડા મહિના લગ્નજીવન ઠીકઠાક રહ્યા બાદ પતિએ પોતાના મિત્રોને ઘરે બોલાવવાનું શરૂ કર્યું હતું. ઘરે મિત્રો સાથે પાર્ટી રાખતો હતો અને પત્નીની હાજરીમાં અશ્લીલ વાતો-ઈશારા પણ કરતો હતો. પતિએ ત્યારબાદ પત્નીને અન્ય મિત્રોની હાજરીમાં શારીરિક સંબંધ માટે દબાણ કર્યું હતું. પત્નીને પતિને સમજાવવા પ્રયાસ કર્યો પણ પતિ વધારે આક્રમક બની ગયો અને મારઝૂડ કરવા લાગ્યો હતો. 
 
પતિ સહિતના ચાર સાસરિયા સામે અડાલજ પોલીસમાં ફરિયાદ
પતિની વિકૃતીથી પત્ની કંટાળી ગઈ હતી. રજાઓમાં યુવક અને આર્ટિસ્ટ પત્ની દેહરાદૂન ગયાં હતાં. અહીંયાં યુવતીએ પોતાનાં સાસુ-સસરા અને દિયર સાથે પતિની વિકૃતિ અંગે વાત કરી હતી. સાસરિયાઓએ તેની વાત સાંભળવાના બદલે ઘરકામ અને કરિયાવર બાબતે મહેણાં-ટોણા માર્યાં હતાં. થોડા સમય બાદ સાસરીવાળા પણ તેની સાથે મારઝૂડ કરવા લાગ્યા હતા. યુવતીના પતિની બદલી કોલકાતા થઈ હતી. કોલકાતા ગયા બાદ પાઇલટ પતિ તેને વિચિત્ર પાર્ટીઓમાં લઈ જતો હતો. પરિણીતાએ આવી પાર્ટીમાં ભાગ લેવાનો ઈનકાર કરતાં પાઈલટ પતિ ગુસ્સે ભરાતો હતો. એક વાર તો તેણે બધાની સામે પત્નીનાં કપડાં ફાડી નાખ્યાં હતાં. પતિના વારંવારના ઝઘડા અને મારના પગલે 36 વર્ષીય યુવતી અડાલજ ખાતે માતા-પિતાના ઘરે પરત આવી હતી અને તેણે પતિ સહિતના ચાર સાસરિયા સામે અડાલજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર