આપણી પૌરાણિક કથાઓમાં જીદ યા હઠાગ્રહને કારણે કેવી સમસ્યાઓ સર્જાઈ તેનાથી આપણે સૌ વાકેફ છીએ. મોહવશ, સ્વાર્થવશ કૈકેઈએ પોતાના પુત્ર ભરત માટે રાજ્ય માગ્યું એટલું જ નહીં પણ રામને ચૌદ વર્ષનો વનવાસ કરવાની માંગણી કરી. કૈકેઇને અનેક દ્વારા અનેક રીતે સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. તેને એમ પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભલે ભરત રાજગાદી પર બેસે પરંતુ રામને વનવાસ શાં માટે? પરંતુ તે એકની બે ના થઈ અને પોતાની જીદ ના છોડી. આ હઠાગ્રહને કારણે આખા રામાયણનું સર્જન થયું. રાજા દશરથ મોતને ભેટ્યા. રામની સાથે સીતા તેમજ લક્ષ્મણને પણ વગર વાંકે સજા ભોગવવાનો વારો આવ્યો. અંતે તે પોતે તો શાંતિથી જીવી ન શકી, પરંતુ ભરતને, રામને, લક્ષ્મણને, સીતાને તેમજ સમગ્ર પ્રજાને પણ શાંતિથી જીવવા ન દીધાં. રામાયણમાં જ જિદનું બીજું ઉત્તમ દ્રષ્ટાન્ત સીતાનું છે. વનમાં સોનેરી મૃગને જોઈ સીતા તેનાથી આકર્ષિત થઈ. તેને તે મૃગની ખાલમાંથી કંચુકી બનાવીને પહેરવાની ઇચ્છા થઈ અને રામને મૃગને મારી ખાલ લાવવા જીદ કરી. રામે તેમ ન કરવા ખૂબ સમજાવી. પરંતુ ન માની અને અંતે શું પરિણામ આવ્યું તે આપણે સૌ જાણીએ છીએ. પોતે દુ:ખી થઈ અને રામ લક્ષ્મણને પણ દુ:ખી કર્યા. આ પ્રકારના સ્ત્રીહઠ, બાળહઠ તેમજ રાજહઠના અનેક દ્રષ્ટાંતો ઇતિહાસ તેમજ સાહિત્યમાં પ્રસિધ્ધ છે.
મોટાભાગના લોકો અનુભવી રહ્યા છે કે આજની નવી જનરેશનના બાળકોમાં પણ જીદનું પ્રમાણ વધતું જાય છે. જાણે જીદના સંસ્કાર લઈને જ જન્મ્યા ના હોય! વધુ પડતો ભૌતિક અભિગમ, માં-બાપનો બાળકો પ્રત્યેનો વધુ પડતો મોહ તેમજ પાણી માગ્યું ને દૂધ આપવાની વૃત્તિ, બાળકોની યોગ્ય પરવરીશમાં ખામી વગેરે તેના માટે કારણભૂત હોય તેમ લાગે છે. બાર પંદર વર્ષના બાળકોને સ્કૂટર કે બાઇક ચલાવવાની જીદ કરતા આપણે જોયા છે. તેમની જીદ સંતોષતા માં-બાપને કેવા પરિણામ ભોગવવા પડે છે તેનાથી પણ આપણે વાકેફ છીએ. ઘરમાં વારંવાર વસ્તુ માટે ઝગડતા બાળકોને આપણે જોઈએ છીએ. ટીનએજર્સને મોબાઇલ અપાવતા તેના કેવા માંઠા પરિણામો આવે છે તે આપણે જાણીએ છીએ. આ બધાં માટે પણ મહદ અંશે બાળકોનો હઠાગ્રહ જ કારણભૂત છે.