બીબીસી ‘સ્પૉર્ટ્સ હૅકાથૉન’માં વિકિપીડિયામાં ભારતીય મહિલા ખેલાડીઓની 300થી વધુ ઍન્ટ્રી ઉમેરાઈ

ગુરુવાર, 18 ફેબ્રુઆરી 2021 (23:37 IST)
18 ફેબ્રુઆરી ભારતમાં આજે બીબીસી સ્પોર્ટ્સવુમન હેઠળ 50 ભારતીય મહિલા ખેલાડીઓ અંગેની 300થી વધુ એંટ્રી વિકિપીડિયામાં ઉમેરવામાં આવી. બીબીસી ઈંડિયન સ્પોર્ટ્સવુમન ઓફ ધ યર એવોર્ડના ભાગરૂપે મહિલા ખેલાડીઓ અંગેની માહિતી ઓનલાઈન ઉમેરવાની આ પ્રથમ પહેલ છે. આ માટે બીબીસીએ ભારતભરની 13 યુનિવર્સિટીના 300 વિદ્યાર્થીઓ સાથે મળીને અંગ્રેજી હિંદી ગુજરાતી મરાથી પંજાબી તમિ અને તેલુગુ એમ સાત ભાષામાં કામ કર્યુ છે. . 
 
જે 50 મહિલા ખેલાડીઓની ઍન્ટ્રી ઉમેરવામાં આવી કે એમના અંગેની માહિતીમાં વધારો કરવામાં આવ્યો એમની પસંદગી  ખેલ પત્રકારો, નિષ્ણાતો અને બીબીસીના એડિટરોની જ્યૂરી દ્વારા કરવામાં આવી હતી. બીબીસીના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આમાંથી કેટલાંક ખેલાડીઓ અંગેની માહિતી ઑનલાઇન ઉપલબ્ધ જ નહોતી. જ્યારે અમુકની ઑનલાઇન માહિતી માત્ર અંગ્રેજીમાં જ ઉપલબ્ધ હતી.
 
બીબીસી વર્લ્ડ સર્વિસનાં કાર્યકારી નિદેશક મૅરી હૉકાડેએ જણાવ્યું, “મહિલાઓ અને યુવાલક્ષી વધુ સ્ટોરીઓ કવર કરવાની અમારી પ્રતિબદ્ધતા સાથે હું પ્રસન્ન છું કે આ પહેલ ઑનલાઇન મૂલ્યવાન માહિતી ઉમેરી રહી છે, જે ભારતમાં બીબીસીના પત્રકાર દ્વારા કરાયેલા રિસર્ચ અને ઇન્ટરવ્યૂના ભાગરૂપે મળી છે.” 
 
લોકો હવે પૅરા-બૅડમિન્ટન વર્લ્ડ ચૅમ્પિયન માનસી જોશી અને પારૂલ પરમાર, અર્જુન ઍવૉર્ડ વિજેતા રૅસલર દિવ્યા કાકરન, બૉક્સર નિખત ઝરીન અને એસ. કલાઈવાણી, શૂટિંગ વર્લ્ડ ચૅમ્પિયન ઈલાવેનિલ વલારિવન, રૅસલર સોનમ મલિક, લૉન્ગ જમ્પર શૈલી સિંહ જેવાં મહત્ત્વનાં યુવા ખેલાડીની પ્રેરણાદાયક કહાણીઓ મેળવી શકશે. 
 
વિકિપીડિયાના વૉલન્ટિયર એડિટર સતદીપ ગીલે જણાવ્યું છે, “વિકિપીડિયા પર મહિલાઓનાં માત્ર 18 ટકા જ જીવનચરિત્રો ઉપલબ્ધ છે અને આ પાછળનાં મહત્ત્વનાં કારણોમાં પ્રમુખ કારણ આધારભૂત સ્રોતનો અભાવ છે. બીબીસી સાથેના સહયોગે ભારતીય મહિલા ખેલાડીઓ માટે પ્રાથમિક સ્રોત સર્જીને આ અવકાશને ભર્યો છે. સાથે જ આનો એક ઉદ્દેશ અંગ્રેજી અને ભારતીય ભાષામાં પત્રકારત્વના વિદ્યાર્થીઓને ભવિષ્યના તંત્રીઓ તરીકેની તાલીમ આપવાનો પણ છે.”
 
ગીલે બીબીસી સ્પૉર્ટ્સ હૅકાથૉનમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને વિકિપીડિયા પર કઈ રીતે નવી ઍન્ટ્રી ઉમેરવી એ માટેની તાલીમ આપી છે.
 
બીબીસી સ્પૉર્ટ હૅકાથૉનમાં આ વર્ષનો BBC ISWOTY ઍવૉર્ડ પણ ઉમેરાયો છે. BBC ISWOTYના વિજેતાની પસંદગી લોકોના મત દ્વારા થશે અને એક વર્ચ્યુઅલ ઍવૉર્ડ કાર્યક્રમમાં 8મી માર્ચે આ અંગેની જાહેરાત કરાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર