ભારતનાં ઉત્તમ મહિલા ખેલાડી માટે બીબીસી ફરી લાવ્યું 'સ્પૉર્ટ્સ વુમન ઑફ ધ યર' ઍવૉર્ડ

સોમવાર, 18 જાન્યુઆરી 2021 (23:02 IST)
બીબીસી સ્પૉર્ટ્સ વુમન ઑફ ધ યર 2019'ની શાનદાર સફળતા પછી 2020 માટે પણ બીબીસી ન્યૂઝ ફરીથી 'ઇન્ડિયન સ્પૉર્ટ્સ વુમન ઑફ ધ યર ઍવૉર્ડ' લાવી રહ્યું છે.
 
આ વર્ષના વિજેતાઓને તેમના ચાહકો દ્વારા મત આપવામાં આવશે. વિજેતા ખેલાડીઓની યાદી જાણીતા રમતગમત પત્રકારો, નિષ્ણાતો અને બીબીસી સંપાદકોની નિર્ણાયક ટીમ દ્વારા સંકલિત કરવામાં આવશે.
 
પાંચ શૉર્ટલિસ્ટ થયેલાં નામાંકિતોની જાહેરાત 8 ફેબ્રુઆરી, 2021ના રોજ કરવામાં આવશે.
 
'બીબીસી સ્પૉર્ટ્સ વુમન ઑફ ધ યર'ના વિજેતાની જાહેરાત 8 માર્ચે બીબીસી ઇન્ડિયન લેંગ્વૅન્જ સર્વિસ પ્લેટફૉર્મ અને બીબીસી સ્પૉર્ટ્સ વેબસાઇટ પર ઑનલાઇન મતદાન કરનારા વૈશ્વિક દર્શકોની પસંદગી બાદ કરાશે.
 
આ વર્ષે બીબીસી ISWOTYમાં એક "સ્પૉર્ટ્સ હૅકૅથૉન"ની સુવિધા હશે, જ્યાં ભારતભરના પત્રકારત્વના વિદ્યાર્થીઓ નવી વિકિપીડિયા નોંધ કરી શકશે. વિદ્યાર્થીઓ અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, મરાઠી, પંજાબી, તમિળ અને તેલુગુ ભાષામાં મહિલાઓ અંગે વિકિપીડિયામાં મોજૂદ માહિતીને સુધારી શકશે અને નવી પણ ઉમેરી શકશે.
 
ભારતીય રમતોની ઑનલાઇન ઉપસ્થિતિ અને પ્રતિનિધિત્વના વિષયમાં આ વિકિપીડિયા એક નોંધપાત્ર વધારો કરશે. વધુ માહિતી 8 ફેબ્રુઆરી, 2021એ ઉપલબ્ધ કરવાશે.
 
બીબીસી
બીબીસીના ડાયરેક્ટર જનરલ ટિમ ડેવીએ કહ્યું કે "મને ખુશી છે કે બીબીસી 'ઇન્ડિયન સ્પૉર્ટ્સ વુમન ઑફ ધ યર ઍવૉર્ડ' બીજી વખત આવ્યો છે. દેશભરનાં મહિલા ઍથ્લીટોની ઉજવણી કરવાની આ એક તેજસ્વી તક છે, અને મને ખુશી છે કે બીબીસી તેમની સફળતાને ઓળખ આપવાની દિશામાં આગળ વધી રહી છે."
 
બીબીસીના ભારતીય ભાષાસેવાનાં વડાં રૂપા ઝાએ જણાવ્યું કે, "આ પ્રતિષ્ઠિત ઍવૉર્ડનો હેતુ 'ચેન્જ મેકર્સ'ને ઉજાગર કરવાનો છે અને એ ઉત્તમ ખેલાડીઓને સન્માન આપવાનો છે, જેમણે ન માત્ર ઉત્તમ પ્રદર્શન કર્યું છે, પણ કોવિડ-19ની મહામારીમાં પણ ગેમચેન્જર રહ્યા છે. આશા છે કે આ વખતે પણ બીબીસીના વાચકો મોટી સંખ્યામાં ભાગ લેશે અને આ વર્ષે બીજી વાર પોતાના મનપંસદ ભારતીય મહિલા ખેલાડીઓને પસંદ કરવા માટે મત આપશે."
 
જ્યારે બીબીસી ISWOTYની જ્યૂરી નામાંકનની જાહેરાત કરશે અને ચાહકો માટે 8 ફેબ્રુઆરીએ ઑનલાઇન મતદાન ખૂલશે પછી બીબીસી પાંચ નામાંકિતોના વીડિયો અને અહેવાલો રજૂ કરશે. તેમજ સ્પૉર્ટ્સ ચેન્જ મેકર્સના પડકારો, તેમની સફળતાઓની સિરીઝ પણ રજૂ કરશે.
 
આ સાથે જ બીબીસી રમતો સાથે જોડાયેલી હસ્તીઓનું પણ સન્માન કરશે, જેમણે ભારતીય રમતોમાં પોતાનું અસાધારણ યોગદાન આપ્યું છે. રમતો સાથે જોડાયેલી હસ્તીઓને લાઇફટાઇમ ઍચિવમેન્ટ પુરસ્કાર અપાશે. તેમજ ઇમર્જિંગ સ્પૉર્ટ્સ પ્લેયર અને ઇમર્જિંગ પ્લેયર ઍવૉર્ડ પણ અપાશે.
 
ગયા વર્ષે ભારતીય બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુને પહેલો બીબીસી 'સ્પૉર્ટ્સ વુમન ઑફ ધ યર'નો ઍવૉર્ડ અપાયો હતો. તો પૂર્વ ભારતીય દોડવીર પી.ટી. ઉષાને ભારતીય રમતોમાં યોગદાન અને ખેલાડીઓને પ્રેરણા આપવા બદલ 'લાઇફટાઇમ ઍચિવમેન્ટ ઍવૉર્ડ' આપવામાં આવ્યો હતો.
 
બીબીસી
બીબીસી દર અઠવાડિયે બીબીસી વર્લ્ડ સર્વિસ, બીબીસી વર્લ્ડ ન્યૂઝ ટેલિવિઝન અને bbc.com/news સહિતની આંતરરાષ્ટ્રીય સેવા મારફતે વિશ્વના 43 કરોડ 80 લાખ લોક સુધી પહોંચે છે. જેમાં બીબીસી વર્લ્ડ સર્વિસ, બીબીસી વર્લ્ડ ન્યૂઝ ટેલિવિઝન ચેનલ, બીબીસી.કૉમ/ન્યૂઝ સામેલ છે.
 
ભારતમાં બીબીસી ન્યૂઝ દર અઠવાડિયે 6 કરોડો લોકો સુધી પહોંચે છે. દર અઠવાડિયે 35 કરોડ 10 લાખ લોકો બીબીસી વર્લ્ડ સર્વિસની મુલાકાત લે છે.
 
વધુ માહિતી માટે bbc.com/worldserviceની મુલાકાત લો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર