કોરોનાના દર્દીઓની સારવારને લઇને અનેક ઊભી થઇ રહેલી ગેરસમજ અંગે વાત કરતા ડો.મહર્ષિ દેસાઈએ જણાવ્યું હતું કે, સામાન્ય લક્ષણો ઘરાવતા દર્દીઓએ શરૂઆતના ૫-૭ દિવસમાં કોઈ વધારાના રિપોર્ટ કે પછી સીટી સ્કેન કરવાની પણ જરૂર હોતી નથી. માત્ર ઘરે આઇસોલેટ થઇને પણ ઝડપથી રિક્વરી મેળવી શકે છે.
આ સંદર્ભમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શરૂઆતના સમયગાળામાં સ્ટિરોઇડનો ઉપયોગ કરવાથી તે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ પર અસર કરે છે. એટલું જ નહીં શરૂઆતના સમયગાળામાં સ્ટિરોઇડનો ઉપયોગ કરવાથી વાયરસનું ઇન્ફેક્શન પણ વધી જાય છે. જેથી શરૂઆતના ૭ દિવસ સુધી સ્ટિરોઇડનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. ડોક્ટરની સલાહ મુજબ સ્ટિરોઇડનો ઉપયોગ કરવો જોઈએ.
ડો.મહર્ષિ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, દરેક દર્દીની મેડિકલ ટ્રીટમેન્ટ અલગ - અલગ હોય છે. એટલું જ નહિ દરેક દવા પ્રત્યેનું દરેક વ્યક્તિનું રિએક્શન અલગ હોય છે. જેથી દર્દીએ અન્ય દર્દીને જોઈને તેની ટ્રીટમેન્ટ ફોલો પણ ન કરવી જોઈએ.