એકલો કેવી રીતે રહીશ?, મારૂં ધ્યાન કોણ રાખશે?, દવાઓ સમયસર કોણ આપશે, મને ડોક્ટર સાથે વાત કરતા નહિ ફાવે.'

મંગળવાર, 11 મે 2021 (08:46 IST)
સ્મીમેરના કોવિડ વોર્ડમાં સુરતના ૬૫ વર્ષિય સિનિયર સિટીઝન દર્દી દાખલ થયા, માનસિક સ્ક્રીનીંગ દરમિયાન એમનામાં તણાવના લક્ષણો જાણાયા. સાઈકિયાટ્રી ટીમને ફરજ પરના તબીબો અને નર્સ પાસેથી જાણવા મળ્યું કે દર્દી વારંવાર માસ્ક કાઢી નાંખતા હોવાથી ઓક્સિજન લેવલ જળવાતું ન હતું. દર્દી પલંગ પર ઉભા થઈ જઈ ઘરે જવાની જિદ્દ કરતાં હતા. 
 
ગુસ્સે થઈને પરિવારનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. જેથી માનસિક વિભાગના તબીબો દ્વારા એમના પરિવારનો સંપર્ક કરી વાત કરતા જાણવા મળ્યું કે 'આ દર્દી ૫ થી ૬ મહિના પહેલા દિકરાના ઘરે સુરત રહેવા આવ્યા હતા. ક્યારેય એકલા હોસ્પિટલમાં ગયા નથી કે દાખલ થયા હોય તો એકલા રહ્યાં નથી. જ્યારે એમને હોસ્પિટલ લાવ્યા ત્યારે એ હોસ્પિટલ જવાની ના કહેતા હતા. એમને ચિંતા હતી કે 'એકલો કેવી રીતે રહીશ?, ધ્યાન કોણ રાખશે?, દવાઓ સમયસર કોણ આપશે, મને ડોક્ટર સાથે વાત કરતા નહિ ફાવે.' 
 
આ બધી ચિંતાઓ દર્દીએ પરિવારજનો સાથે આ પહેલા વ્યક્ત કરી હતી. તેમને એવું લાગે છે કે મારા પુત્રો, પરિવારજનોને મારા પ્રત્યે કોઈ લાગણી નથી રહી. તેઓ મને મળવા પણ આવતા નથી, આવી ગેરસમજના લીધે હાલમાં દર્દી પોતાના પરિવારથી નારાજ હોવાથી ફોન પણ ઉપાડતાં ન હતા.
આ દર્દીની માનસિક રોગના તબીબોએ તપાસ કરી. ચિંતા અને ગુસ્સાનું કારણ જાણી તેમની માનસિક સ્થિતિનું સચોટ નિદાન કરી દવા અને કાઉન્સેલિંગ સાથેની સારવાર શરૂ કરવામાં આવી ત્યારબાદ વિડિયો કોલ પર પરિવાર સાથે ૨ થી ૩ દિવસ વાત કરાવી. જેના કારણે તેમના વર્તનમાં સુધાર જણાયો. 
 
ત્યારબાદ દર્દી સ્વૈચ્છિક રીતે હોસ્પિટલમાં રોકાવા તૈયાર થયા, અને તબીબી સ્ટાફને સારવારમાં સહયોગ આપવા લાગ્યા. ઓક્સિજન માસ્કને જાતે જ પહેરતા, મોં પરથી દૂર ન થાય એની કાળજી રાખવા લાગ્યા. પરિવારની ચિંતા હળવી થઈ. તબીબોએ કોવિડની સારવાર સાથે ચિંતા તણાવની સારવાર કરવામાં સફળતા મળી ને ગણતરીના દિવસોમાં સિનિયર સિટીઝન દર્દી સ્વસ્થ થઈ જતાં રજા આપવામાં આવી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર