પ્રાપ્ત વિગતો પ્રમાણે વેસુ વિસ્તારમાં અલથાણા કેનાલ રોડ પર આવેલ ટાઈમ વર્લ્ડ કોમર્શિયલ બિલ્ડિંગમાં આવેલી સનગ્રેસ હોસ્પિટલની લિફ્ટ પહેલા અને બીજા માળની વચ્ચે ફસાઈ છે લિફ્ટમાં 10 લોકો પણ ફસાયા છે એવો કોલ ફાયર બ્રિગેડને મળ્યો હતો. ફાયરબ્રિગેડની વેસુ ફાયર સ્ટેશનની ટીમ અધિકારીઓ સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી.ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા પ્રથમ અને બીજા માળ વચ્ચે લીફ્ટ ફસાયેલી જોવા મળી હતી. આ લિફ્ટનો ઉપયોગ ત્રીજા માળે આવેલી સનગ્રેસ હોસ્પિટલ માટે જ થતો હતો અને પહેલા તથા બીજા માળે દુકાનો આવેલી છે.
લિફ્ટ બંધ થયાની જાણ હોસ્પિટલના સંચાલક દ્વારા લિફ્ટ કંપનીના ટેક્નિશિયનને પણ કરી હતી. તેઓ પણ દોડી આવતા અંદાજિત અડધા કલાક સુધી લિફ્ટ ઉપર લાવવા અને ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં સફળતા મળી નહોતી. ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે મીડિયાને જણાવ્યું હતું કે હોસ્પિટલની લિફ્ટમાં લોકો ફસાયા હોવાનું જાણવા મળતા જ ઘટનાની ગંભીરતાને લઈને તાત્કાલિક અમારી ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચી ગઈ હતી. લિફ્ટ નહીં ખુલતા આખરે અમારે ટીમે પ્રથમ અને બીજા માળે વચ્ચે આવેલી કોંક્રિટ દીવાલને તોડી પાડી હતી બાદમાં લિફ્ટમાં ફસાયેલા તમામ લોકોને સહી સલામત બહાર કાઢ્યા હતા.