પ્રો કબડ્ડી લિગમાં ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સનો દબંગ દિલ્હી કેસી સામે ભારે રસાકસી બાદ 34-30થી પરાજય

સોમવાર, 16 સપ્ટેમ્બર 2019 (10:00 IST)
: પ્રો કબડ્ડી લિગની સાતમી સિઝનમાં ટાઈટલની પ્રબળ દાવેદાર દબંગ દિલ્હી કેસીએ પ્રવર્તમાન સ્પર્ધામાં તેનો દબદબો જાળવી રાખતા ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ સામેની મેચમાં ભારે રસાકસી બાદ 34-30થી વિજય મેળવ્યો હતો. આજની મેચમાં દિલ્હી તરફથી નવીન કુમારે 22 રેઈડમાં 11 પોઈન્ટ જ્યારે વિશાલ માનેએ પાંચ ટેકલમાં ત્રણ પોઈન્ટ મેળવીને ટીમના વિજયમાં યોગદાન આપ્યું હતું.
પૂણેના શ્રી શિવાજી છત્રપતિ સ્પોટર્સ કોમ્પલેક્સમાં આજે રમાયેલી મેચમાં દબંગ દિલ્હી કેસીએ ટોસ જીતીને કોર્ટની પસંદગી કર્યા બાદ મજબૂત શરૂઆત કરી હતી. પહેલાથી જ દિલ્હીની ટીમ ગુજરાતની ટીમ પર હાવી રહી હતી. આ દરમિયાન ગુજરાતના ખેલાડીઓએ શરૂઆતમાં તો વળતી લડતનો જોરદાર પ્રયાસ કર્યો પણ પછી હથિયાર હેઠાં મૂકી દીધા હોય તેમ તેઓ પ્રથમ હાફમાં સરસાઈ મેળવી શક્યા નહતા. આ દરમિયાન દિલ્હીના નવીન કુમારે પ્રો કબડ્ડી લિગમાં રેડના 350 પોઈન્ટ કરવાની સિધ્ધિ હાંસલ કરી હતી. હાફ ટાઈમે દિલ્હીની ટીમે 20-9થી મજબૂત સરસાઈ મેળવી હતી. 
બીજા હાફમાં બન્ને ટીમોએ આક્રમક રમત બતાવી હતી પણ દિલ્હીની ટીમે 24 પોઈન્ટ કર્યા બાદ ગુજરાતના ખેલાડીઓએ જોરદાર વળતી લડત આપતાં તેમના પરની સરસાઈને ઝડપથી ઘટાડવામાં સફળતા મેળવી હતી. બીજા હાફમાં ગુજરાતના ખેલાડીઓની રમત વધુ આક્રમક રહી હતી અને તેમણે દિલ્હીની ટીમને પોઈન્ટ માટેની ખૂબજ ઓછી તક આપી હતી. જોકે અંતે દિલ્હી મેચને પાતળી સરસાઈથી પોતાની તરફે કરવામાં સફળ રહ્યું હતું.
 
આ મેચ પહેલાં દબંગ દિલ્હી 11 વિજય, બે પરાજય, એક ટાઈ સહિત 59 પોઈન્ટ સાથે 12 ટીમોની સ્પર્ધામાં ટોચના સ્થાને હતું જ્યારે ગુજરાતની ટીમ 15 મેચમાં પાંચ વિજય, નવ પરાજય અને એક ટાઈ સહિત 34 પોઈન્ટ સાથે આઠમા ક્રમે હતું. ગુજરાત માટે હવેની મેચો જીતીને સ્પર્ધામાં ટકી રહેવાની તક હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર