આજે વિશ્વસિંહ દિવસ: સિંહોનાં હુમલા કરતાં મનુષ્યોએ સિંહોની વધુ કરેલી હત્યા
શુક્રવાર, 10 ઑગસ્ટ 2018 (12:01 IST)
સિંહને જંગલનો રાજા અને ખુંખાર પ્રાણી ગણવામાં આવે છે. પરંતુ સિંહોએ કરેલા હુમલાઓથી જેટલા માનવમૃત્યુ નિપજયા છે. તેના કરતા મનુષ્યએ વધારે સિંહોની હત્યાઓ કરી હોવાનું વનવિભાગના તારણમાં બહાર આવ્યું છે. આજે વિશ્વ સિંહ દિવસ છે ત્યારે દેશની શાન સમાન ગિરનાં સિંહોના સરક્ષરણ માટે વધુ કાળજી દાખવવાની આવશ્યકતા હોવાનું જણાઈ આવે છે. સિંહ ખુંખારની સાથે એક ખાનદાન પ્રાણી પણ છે. કારણ કે સિંહ કયારેય માનવ પર હુમલો કરતો નથી. પરંતુ જ્યારે સિંહને પોતાનાં જીવનુ જોખમ લાગે અથવા તેને ડર લાગે કે મનુષ્ય પોતાના પર હુમલો કરશે તેવા સંજોગોમાં સિંહ માનવ પર હુમલો કરતો હોય છે. વનવિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે સિંહોએ આજદિન સુધી કરેલા માનવ મૃત્યુ કરતા અનેકગણા સિંહોને મનુષ્યએ ઈલેકટ્રીક શોર્ટ વડે, શિકાર કરી, તથા અન્ય કોઈપણ રીતે સિંહોની ક્રૂર હત્યાઓ નીપજાવી હોવાનું એક તારણમાં સામે આવ્યું છે. તાજેતરનાં વર્ષોની વાત કરીએ તો વિસાવદરના લાલપુર નજીક ધારી રોડ પર સિંહને મારીને ફેંકી દેવામાં આવ્યો, ત્યારબાદ આજવિસ્તારમાં લામધાર વીડીમાં ઈલેકટ્રીક શોર્ટ આપી સિંહનો મૃતદેહ ફેકી દેવામાં આવ્યો, ગીર ગઢડા તાલુકાના બેડીયા ગામમાં સિંહણની ઈલેકટ્રીક શોર્ટથી હત્યા નીપજાવી મૃતદેહને ફેકી દેવામાં આવ્યો, થોડા દિવસો પહેલા માળીયા હાટીના પંથકમાં સિંહની હત્યા નીપજાવી કોથળામાં મૃતદેહને બાંધીને ફેકી દેવામાં આવ્યો, વિસાવદરનાં મોટી મોણપરીમાં સિંહની હત્યા કરી તેનો મૃતદેહ નદીના પાઈપમાં છુપાવી દેવામાં આવ્યો, તાજેતરના જશાધાર જંગલ વિસ્તારની બોર્ડર પર સિંહ બચ્ચાની હત્યા કરવામાં આવી આ ઉપરાંત સાવરકુંડલા નજીક સિંહનો હત્યા કરી મૃતદેહ કુવામાં ફેંકવામાં આવ્યો આવા અનેક કિસ્સાઓમાં મનુષ્યએ સિંહોની હત્યા કર્યાનું ખુલ્યું છે.