ટ્રાફિક નિયંત્રણ ઝુંબેશ માટે હાઈકોર્ટની ટીકા લેખે લાગીઃ ત્રણ મહિનામાં ૧.૬૫ કરોડનો દંડ
શુક્રવાર, 10 ઑગસ્ટ 2018 (11:59 IST)
અમદાવાદમાં આડેધડ પાર્કિંગને કારણે વકરેલી ટ્રાફિક સમસ્યાએ લોકોને નાકે દમ લાવી દીધો હતો. આ મુદ્દે હાઈકોર્ટે કડક વલણ અપનાવતા પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું. જેમાં જાહેર રોડ પર આડેધડ વાહન પાર્કિંગ કરનારા અને ટ્રાફિકના નિયમોને ઘોળીને પી જનારા સામે દંડાત્મક કાર્યવાહીની વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં છેલ્લા ત્રણ મહિનામાં સમગ્ર અમદાવાદમાં હાથ ધરાયેલી ઝુંબેશમાં લોકો પાસેથી ૧.૬૫ કરોડનો દંડ વસુલવામાં આવ્યો હતો. શહેરના તમામ વિસ્તારમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા દિવસે દિવસે વકરી રહી હતી. જેને કારણે અકસ્માત અને રસ્તા પર મારામારીના બનાવો સામાન્ય થઈ ગયા હતા. બીજીતરફ હાઈકોર્ટે આ મુદ્દે ફટકાર આપતા પોલીસ તંત્રએ હરકતમાં આવવું પડયું હતું. જેમાં તમામ સ્થાનિક પોલીસ અને ટ્રાફિક શાખા રોડ પર ઊતરી આવી હતી. પોલીસે ટ્રાફિકના નિયમોનું ઊલ્લંઘન કરનારા વાહનચાલકોને સ્થળ પર જ મેમો આપીને દંડ વસુલી કાયદાનું ભાન કરાવ્યું હતું.આમ છેલ્લા ત્રણ મહિનામાં પોલીસે નો પાર્કિંગ અને જાહેરનામાનો ભંગ વગેરે કેસો કર્યા હતા. જેમાં સ્થળ પર દંડ વસુલી અને ટોઈંગ કરેલા વાહનોને મળીને કુલ રૃ. ૧,૬૫,૩૬,૮૬૦ નો દંડ વસુલવામાં આવ્યો હતો. હજીપણ આ ઝુબેશ ચાલુ રહેશે, એમ શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘે જણાવ્યું હતું. સૌથી વધુ દંડ સ્થળ પર વસુલમાં આવ્યો હતો. જેમાં ફોર વ્હીલરને રૃ.૧૦૦ નો દંડ તથા આ વાહનને ટોઈંગ કરીને લઈ જવાયતો બીજા રૃ.૫૦૦ મળીને રૃ. ૬૦૦ દંડ વસુલવામાં આવ્યો હતો. જ્યારે ટુ વ્હીલરને રૃ. ૧૦૦ દંડ અને ટોઈંગના ૨૫૦ મળી રૃ. ૩૫૦ નો દંડ વસુલવામાં આવ્યો હતો.